ચંદ્ર પર પહોંચવાની થોડીક ક્ષણો પહેલા જ ઈઝરાયલનું અંતરિક્ષ યાન દૂર્ઘટનાગ્રસ્ત

યેહુદ (ઈઝરાયલ): ઈઝરાયલનું અંતરિક્ષ યાન ચંદ્ર પર પહોંચવાની ફક્ત થોડીક જ ક્ષણો પહેલા પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો અને તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ દુર્ઘટનાની સાથે જ ખાનગી ખર્ચે હાથધરાયેલું પ્રથમ ચંદ્ર મિશન ઈતિહાસ રચવામાં નિષ્ફળ રહ્યું. અંતરિક્ષ યાન ચંદ્રમા પર ઉતરવાના અંતિમ તબક્કામાં જ હતું અને પૃથ્વી સાથેથી તેનો સંપર્ક તૂટી ગયો. જેના થોડાક જ સમય બાદ આ મિશનને નિષ્ફળ જાહેર કરી દેવામાં આવ્યું.

ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત અંતરિક્ષ વિભાગના જનરલ મેનેજર ઓફેર ડોરોને જણાવ્યું કે, અમારુ અંતરિક્ષ યાન ચંદ્રની સપાટી પર જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. જે જગ્યા પર તેને ઉતરવાનું હતું તે જ જગ્યા પર યાનના ટુકડે-ટુકડા થઈ ગયા હતાં.

ડોરેને જણાવ્યું કે લેન્ડિગથી થોડા સમય પેહલા જ અંતરિક્ષ યાનનું એન્જિન બંધ થઈ ગયું હતું. જ્યાં સુધી તેને ફરી વખત શરૂ કરવામાં આવે, યાનની ગતી લેન્ડિંગની જરૂરિયાત કરતા ખૂબ જ વધારે હતી. તેમણે કહ્યું કે, વિજ્ઞાનીઓ મિશન નિષ્ફળ થયું હોવાના કારણો અંગે જાણકારી મેળવી રહ્યા છે.

આ ઘટનાક્રમને વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂ સહિત દેશના તમામ લોકો પોતાના ટીવીમાં જોઈ રહ્યા હતા. ટીવીમાં આ મિશનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.