ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં 55ના મોત વચ્ચે અમેરિકાએ જેરુસલેમમાં ખોલ્યું દૂતાવાસ

વોશિંગ્ટન- અમેરિકાએ ઈઝરાયલના તેલ અવીવથી તેનું દૂતાવાસનું સ્થળાંતર કરીને નવું દૂતાવાસ જેરુસલેમમાં ખોલ્યું છે. અમેરિકાના આ પગલાથી પેલેસ્ટાઈનના લોકો ગુસ્સે ભરાયા અને ઈઝરાયલના સૈનિકો સાથે ટકરાવ થયો હતો. આ દરમિયાન ઈઝરાયલના સૈનિકો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં અંદાજે 55 લોકોના મોત થયા હતાં. વર્ષ 2014 બાદ આ સૌથી મોટી હિંસા છે.અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેરુસલેમને ઈઝરાયલની ઔપચારિક રાજધાનીના રુપમાં માન્યતા અપાયા બાદ અમેરિકાના દૂતાવાસને તેલ અવીવથી સ્થાનાંતરિત કરીને ડિસેમ્બર-2017માં જેરુસલેમ ખસેડવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીં ડોનાલ્ડ ટ્રમ્પે દૂતાવાસના રેકોર્ડ સંદેશામાં જણાવ્યું હતું કે, ‘આજે અમે જેરુસલેમમાં સત્તાવાર રીતે દૂતાવાસ ખોલ્યું, અભિનંદન. આ અવસર આવતા ઘણો સમય લાગ્યો’.

ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂએ દૂતાવાસના ઉદઘાટન સમારોહમાં બોલતા જણાવ્યું કે, પોતાનો વાયદો પુરો કરવા માટે સાહસ દર્શાવવા બદલ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ધન્યવાદ. આ બધી ઘટનાઓ વચ્ચે ગાઝા સીમા પર પ્રદર્શન કરી રહેલા પેલેસ્ટાઈનના લોકો ઈઝરાયલના સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. ઈઝરાયલ સૈનિકો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં લગભગ 55 લોકોના મોત થયા અને 2400થી વધુ ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોમાં 200 લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના અને 11 પત્રકારોનો પણ સમાવેશ થાય છે.