પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI તાલિબાનને મદદ કરે છે: US મીડિયા

0
1813

વોશિંગ્ટન- અમેરિકન મીડિયાએ પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI અફઘાનિસ્તાન સરહદે આતંકી સંગઠન તાલિબાનને મદદ પહોંચાડી રહી છે. અમેરિકાના અખબારે તેના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, અફઘાનિસ્તાન સરહદે પાકિસ્તાન કેટલીક વિશિષ્ટ જગ્યાઓ પર તાલિબાની આતંકીઓને આશ્રય આપી રહ્યું છે.અમેરિકન મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાંથી તાલિબાની આતંકી કોઈપણ જાતની રોકટોક વગર પાકિસ્તાનની સેનાના ગઢ કહેવાતા ક્વેટામાં આવતા જતા રહે છે. જ્યાં તેઓ પાકિસ્તાની સેના અને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સના (ISI) અધિકારીઓ સાથે મુલાકાત કરતા હોય છે.

અમેરિકન અખબારે તેના જાણકાર સૂત્રોના હવાલેથી જણાવ્યું કે, તાલિબાનના સર્વોચ્ચ નેતૃત્વનું સંચાલન પશ્તુનાબાદ, ગુલિસ્તાન અને આસપાસના સરહદી વિસ્તારોથી કરવામાં આવે છે. અખબારના જણાવ્યા મુજબ ક્વેટાથી 44 કિમી દૂર કિલા નામનો એક નાનો સરહદી જિલ્લો આવેલો છે, જ્યાંથી તાલિબાન ISIના સંપર્કમાં રહે છે અને કામ કરે છે.

અહીં ચમન નામના એક વિસ્તારની સરહદ અફઘાનિસ્તાન સાથે મળે છે, અને અહીં જ તાલિબાનનો ગઢ  હોવાનું માનવામાં આવે છે. આતંકીઓ અહીંથી કોઈપણ રોકટોક વગર પોતાની પ્રવૃત્તિને અંજામ આપે છે. સ્થાનિક લોકો તાલિબ્સના નામની આ સંગઠનને ઓળખે છે. મળતી માહિતી મુજબ અહીં આતંકીઓ પાસે ઓટોમેટિક હથાયારો છે, જે બેથી લઈને પાંચ લોકોની ટુકડીમાં અહીં ફરતા રહે છે.