ઈરાન તોડશે ઐતિહાસિક પરમાણુ કરાર, યુરેનિયમનો ભંડાર વધારશે…

તેહરાન- ઈરાને વૈશ્વિક શક્તિ સાથે પરમાણુ સમજૂતી હેઠળ નક્કી કરેલ યુરેનિયમનો જથ્થો સંગ્રહ કરવાની મર્યાદા આગામી 10 દિવસની અંદરમાં તોડી નાંખશે. પ્રવક્તાએ ચેતવણી આપી કે ઈરાનને 20 ટકા સુધી સંગ્રહિત યુરેનિયમની જરૂર છે, જે હથિયાર બનાવવાના એક કદમ પહેલાંનું સ્તર છે. આ જાહેરાત પરથી સંકેત મળે છે કે, ઈરાન વૈશ્વિક સત્તાઓ સાથે વર્ષ 2015માં કરેલા ઐતિહાસિક પરમાણું કરારને તોડવા માટે આગળ વધી રહ્યો છે.

ઈરાને ગત મહિને જાહેરાત કરી હતી કે અમેરિકા દ્વારા ફરીથી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તેના પરિણામોને પગલે તેઓ પોતાને ત્યાં યુરેનિયમનો કુલ જથ્થો વધારીને 20 ટકાના સ્તર સુધી લઇ જશે.

ઈરાનની પરમાણુ એજન્સીના પ્રવક્તા બેહરોજ કમલવાંડીએ સ્થાનિક પત્રકારો સમક્ષ આ જાહેરાત કરી છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે કે, જ્યારે આ વિસ્તારમાં ગત સપ્તાહે ઓઈલ ટેન્કરો પર સંદિગ્ધ હુમલાઓ કરવામાં આવ્યાં છે. વોશિગ્ટને આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે અને આ ઘટનાને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. પ્રવક્તાએ સ્વિકાર કર્યો છે કે, દેશ ઓછા સંવર્ધિત યૂરેનિયમના તેમના ઉત્પાદનને ચાણ ગણુ વધારી ચૂક્યો છે. તહેરાન દેશની જરૂરિયાતના આધારે યૂરેનિયમ સંવર્ધનનું સ્તર વધારશે.

યુરોપિયન સત્તાવાળાઓએ ઈરાનને ચેતવણી આપી છે કે, જો સોદો રદ કરવામાં આવશે તો તેમની પાસે પ્રતિબંધોનો અમલ કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં. ઈરાને ફરિયાદ કરતાં જણાવ્યું કે, તે અમેરિકાના પ્રતિબંધોના પ્રભાવથી તેના ઓઈલ અને બેન્કિંગ સેક્ટરને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમજ તેના કારણે દેશની આર્થિક વિકાસનો વૃદ્ધિદર ઘટાડા તરફ ગતિ કરી રહ્યો છે, જેને દેશને મંદી તરફ ધકેલી દીધો છે.

મે મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે ઈરાની ઓઈલ ખરીદનારા દેશો માટે તેના પ્રતિબંધોને દૂર કર્યા હતા ત્યારબાદ ઈરાને જણાવ્યું હતું કે, તે પણ તેની પ્રતિબદ્ધતાને પાછી ખેંચી રહ્યું છે.