ઈરાન પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધનો અમલ કરવામાં આવશે: અમેરિકા

0
1589

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી એ સાથે જ ઈરાન પર નવા પ્રતિબંધ લાગૂ કરવાની પણ તૈયારી કરી લીધી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ ઈરાન સાથે નવા કરારો પર પ્રતિબંધનો અમલ તાત્કાલિક પ્રભાવથી કરવામાં આવશે, જ્યારે અગાઉથી ચાલી રહેલી યોજનાઓ બંધ કરવા માટે 90થી 180 દિવસનો સમય આપવામાં આવશે.અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને જણાવ્યું કે, ‘અમે ઈરાન કરારમાંથી હટી જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અમેરિકા આ કરારમાંથી હટી ગયું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ વિભાગો અને એજન્સીઓને નિર્ણય લાગૂ કરવાના નિર્દેશ પરિપત્ર ઉપર હસ્તાક્ષર કરી દીધા છે’. વધુમાં બોલ્ટને જણાવ્યું કે, નવા કરારો પર પ્રતિબંધનો અમલ તાત્કાલિક કરવામાં આવશે, જ્યારે પહેલેથી ચાલી રહેલા કરારને બંધ કરવા સમય આપવામાં આવશે.

બોલ્ટને કહ્યું કે, કરારની વિવિધ પ્રકૃતિ અને શરતોને કારણે તેને રદ કરવાની સમયાવધિમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. બોલ્ટને કહ્યું કે, ‘મને નથી લાગતું કે, વૈશ્વિક સમુદાયમાં કોઈને અમેરિકાની આ કાર્યવાહીથી આશ્ચર્ય થવું જોઈએ. તેમણે જણાવ્યું કે, નવી સુચનાઓ મળ્યા બાદ એ વાતની પુરી શક્યતા રહેલી છે કે, ઈરાન પર કેટલાક નવા પ્રતિબંધ પણ મુકવામાં આવશે.