ઈરાને રક્ષા મંત્રાલયના કર્મચારીને ફાંસી આપી દીધી, CIA માટે જાસૂસીનું કારણ…

તહેરાનઃ ઈરાન સ્ટેટ ટીવીએ માહિતી આપી છે કે રક્ષા મંત્રાલયના એક પૂર્વ કર્મચારીને ફાંસીની સજા આપવામાં આવી છે. તે અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ માટે જાસૂસી કરવા મામલે દોષિત સાબિત થયો હતો. આ ટીવી રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જલાલ હાજીજવારને તહેરાનની નજીકની એક જેલમાં ફાંસી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર જલાલે કોર્ટમાં સ્વીકાર કર્યો કે સીઆઈએ માટે જાસૂસી કરવાના બદલે તેને નાણાં આપવામાં આવ્યાં હતાં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સંબંધિત અધિકારીઓએ જલાલના ઘેરથી જાસૂસીના ઉપકરણો પણ જપ્ત કર્યા હતા. જલાલની પત્નીને પણ જાસૂસીમાં મદદ કરવા મામલે કોર્ટે 15 વર્ષની કેદની સજા સંભળાવી છે.

તો બીજીબાજુ ખાડી દેશમાં વધેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે ક્ષેત્રમાં અમેરિકી હુમલાનો કરારો જવાબ આપીશું. ઈરાનની સેનાએ કહ્યું કે ક્ષેત્રમાં શરુ થયેલો સંઘર્ષ અનિયંત્રિત બની શકે છે અને અમેરિકી સૈનિકોના જીવ ખતરામાં પડી શકે છે. તો અમેરિકાએ ઈરાનને ચેતવણી આપતાં કહ્યું છે કે ઈરાન પર હુમલાને આખરી ક્ષણમાં રદ કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કમજોરી સમજવાની ભૂલ ઈરાન ન કરે.

ઈરાની સેનાના શીર્ષ કમાન્ડર મેજર જનરલ ગોલામ અલી રાશિદે કહ્યું છે કે ઈરાન પોતાના વિરુદ્ધ થનારી કોઈપણ પ્રકારની અમેરિકી સૈન્ય કાર્યવાહીનો કડક જવાબ આપશે. રાશિદે કહ્યું કે અમેરિકા, યહૂદી અને સાઉદી ગઠબંધન વિરુદ્ધ ઈરાન પોતાની સંપ્રભુતા, અસ્તિત્વ તેમજ આ ક્ષેત્રની સ્થિરતાને બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

અમેરિકાને એક જવાબદાર દેશની જેમ વ્યવહાર કરવો જોઈએ અને આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના ખોટા વ્યવહારથી બચવું પડશે. અમે નતો યુદ્ધના પક્ષમાં છીએ અને અમે પહેલા પણ યુદ્ધના પક્ષમાં નહોતા. પરંતુ અમારા પર કોઈ હુમલો થાય છે તો અમે અમારા હિતોનું રક્ષણ સારી રીતે કરીશું. ઈરાનની સેના દ્વારા એક શક્તિશાળી અમેરિકી ડ્રોનને

નષ્ટ કરવામાં આવ્યા બાદ આ ક્ષેત્રમાં તણાવ બરકરાર છે. ટ્રમ્પે હુમલાનો આદેશ પણ આપ્યો હતો પરંતુ અંતિમ મીનિટોમાં આ આદેશને પાછો ખેંચી લેવામાં આવ્યો.