ઈરાને 12 જાસૂસોની કરી ધરપકડ, અનેક પાસે છે બેવડી નાગરિકતા

તહેરાન- ઈરાનના ગુપ્તચર વિભાગના પ્રધાને જણાવ્યું છે કે, દેશ વિરુદ્ધ જાસૂસીના કેસમાં અને બેવડી નાગરિકતા ધરાવનારા લોકો ઉપર કરવામાં આવેલી કાર્યવાહી હેઠળ ડઝનેક વિદેશી જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.ઈરાનના ગુપ્તચર વિભાગના પ્રધાન મહમૂદ અલવીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઉપરોક્ત વાત જણાવી હતી. જોકે તેમણે પકડાયેલા જાસૂસો અંગે કંઈ વિગત આપી નહતી. અને એમ પણ નથી જણાવ્યું કે, તેમની ધરપકડ ક્યારે કરવામાં આવી હતી.

ઈરાનના ગુપ્તચર વિભાગના પ્રધાને એવો દાવો કર્યો હતો કે, ઈરાને એક એવા દેશની કેબિનેટમાં પોતના એજન્ટને શામેલ કર્યો હતો જેની જાસુસી સેવા ખૂબજ મજબૂત માનવામાં આવે છે. ઈરાનની એક મીડિયા એજન્સીએ આ અંગે જણાવ્યું કે, મહમૂદ અલવી ઈઝરાયલના પૂર્વ ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન તરફ ઈશારો કરી રહ્યાં છે.

અલવીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘નાણાંકીય અને અન્ય માધ્યમો દ્વારા અમારા શત્રુઓ દેશ વિરોધી માહિતી મેળવવા પ્રયાસ કરે છે. વધુમાં અલવીએ જણાવ્યું કે, તેઓ જાસૂસો અને ઘૂસણખોરો દ્વારા પોતાનું કામ કરે છે. જોકે સદભાગ્યે અમારી ડિટેન્શન શાખા આ મંત્રાલયની સૌથી મજબૂત શાખાઓ પૈકી એક છે’.

વધુમાં અવલીએ જણાવ્યું કે, બેવડી નાગરિકતા ધરાવનારા આવા લોકો પર કાર્યવાહી કરવા નક્કર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અલવીએ લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, જો તમે કોઈ આવી વ્યક્તિને જાણો છો તો કૃપયા અમને તેમના વિશે જણાવશો’.