પાકિસ્તાનમાં ઈમરાન ખાનને ભગવાન શિવના રુપમાં દર્શાવાતા સર્જાયો વિવાદ

0
1917

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં રાજકીય પાર્ટી તહરીક-એ-ઈન્સાફના સુપ્રિમો ઈમરાન ખાનને ભગવાન શિવના રુપમાં દર્શાવાતા મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ પાકિસ્તાનમાં સંસદથી સડક સુધી લોકોએ પ્રદર્શન કર્યું છે. આ ઘટનાને પાકિસ્તાનના હિન્દુ સમાજના લોકોએ તેમની ધાર્મિક લાગણીનું અપમાન ગણાવ્યું છે અને કાર્યવાહીની માગ કરી છે.ઉલ્લેખનીય છે કે, ભગનાવ શિવના રુપમાં ઈમરાન ખાનનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે, આ ફોટાને પાકિસ્તાનના સાંસદે પણ ગંભીરતાથી લીધો છે અને ઘટનાની તપાસ FIAને સોંપી છે.

આ ઘટના અંગે એક અંગ્રેજી ચેનલના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનનો ફોટો વાયરલ થયો છે તેમાં ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના કાર્યકર્તાઓનો હાથ હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાનની સંસદમાં ગત રોજ વિરોધપક્ષના નેતા રમેશ લાલે જણાવ્યું કે, ઈમરાન ખાનને શિવજીના રુપમાં દર્શાવવા એ ગંભીર મામલો છે. જે અંગે સંસદના પ્રમુખે ગૃહપ્રધાન તલાલ ચૌધરી પાસે રિપોર્ટ માગ્યો છે. રમેશ લાલે કહ્યું કે, કોઈ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવી એ સંવિધાન વિરુદ્ધ છે.