ભારતીયોના સ્વિસ બેંક ખાતાઓની જાણકારીઓ હવે હાથવેંતમાં…

0
1244

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડ સરકારે સંકેત આપ્યાં છે કે ભારતને સ્વિસ બેંકના ખાતાઓની જાણકારી આપવા માટે તે તૈયાર છે, પરંતુ આના માટે ભારત પાસેથી કેટલાક દસ્તાવેજો પ્રાપ્ત કરવા જરુરી છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે બેંકિંગ સૂચનાઓનું પ્રથમ આદાનપ્રદાન 30 સપ્ટેમ્બર પહેલાં થઈ શકે છે. બંને દેશો વચ્ચે સૂચનાઓના સ્વાભાવિક આદાનપ્રદાન માટે જાન્યુઆરી 2018માં આ મામલે સમજૂતી થઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સ્વિટઝર્લેન્ડની રાજધાની બર્ન સ્થિત સ્વિસ ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ કહ્યું કે ભારતને સૂચનાઓ આપવાના મામલે કેટલાક દસ્તાવેજો પ્રાપ્ત કરવા જરુરી હશે. સ્વિટ્ઝર્લેન્ડ પ્રશાસન 2018 સુધી ત્યાંની બેંકોમાં તમામ ભારતીયોના ખાતાની જાણકારી ભારતીય અધિકારીઓને આપશે.

મળતી વિગતો અનુસાર ભારત એ 73 દેશોમાં છે જેના નાગરિકોના બેંક ખાતાની જાણકારી આ વર્ષે શેર કરવામાં આવશે. આ મામલે સ્વિટઝર્લેન્ડમાં તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ભારતને સેંકડો ખાતાઓની જાણકારી આપવામાં આવશે. આને બે દેશો વચ્ચેના સંબંધોમાં મહત્વપૂર્ણ કડી રુપે માનવામાં આવી રહ્યું છે.

ભારતમાં પણ ફોરેન ટેક્સેશન એન્ડ ટેક્સ રિસર્ચ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે બસ બેંક ખાતાના વિવરણ પ્રાપ્ત થવાના જ છે. સ્વિટઝર્લેન્ડના કાયદા અનુસાર AEOI ને કોઈ નવા ભાગીદાર દેશથી લાગુ કરવા મામલે ત્યાંની સંસદમાં મંજૂરી લેવી પડે છે. આના પર સંસદના બંને સદનોમાં ચર્ચા થાય છે. ભારતના મામલે આ પ્રક્રિયા નવેમ્બર 2016 થી લાગુ થઈ ગઈ હતી.

તાજેતરમાં ભારતની માગ પર સ્વિટઝર્લેન્ડની બેંકોએ નીરવ મોદી અને પૂર્વી મોદીના ચાર ખાતાઓ સીઝ કર્યા છે. સ્વિસ નેશનલ બેંક દ્વારા જાહેર તાજેતરના આંકડાઓ અનુસાર સ્વિસ બેંકોમાં ભારતીય લોકોનું જમા ધન 2017માં 50 ટકા વધીને 1.01 અબજ સીએચએફ એટલે કે આશરે 7,000 કરોડ રુપિયા પર પહોંચી ગયું છે. જો કે આમાં એ રકમ શામિલ નથી, જે અન્ય દેશમાં સ્થિત કંપનીના નામે જમા કરાવી હોય.

એસએનબીના આંકડાઓ અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંક ખાતામાં સીધી રીતે મૂકવામાં આવેલું ધન વર્ષ 2017માં 6891 કરોડ રુપિયા થઈ ગયું. તો પ્રતિનિધિઓ અથવા મની મેનેજર્સ દ્વારા રાખવામાં આવેલું ધન આ દરમિયાન 112 કરોડ રુપિયા રહ્યું.