થાઈલેન્ડમાં નકલી લગ્ન કૌભાંડનો પર્દાફાશઃ ભારતીય પુરુષ, 27 થાઈ મહિલાઓની ધરપકડ

0
759

બેંગકોક – થાઈલેન્ડના આ પાટનગર શહેરમાં સ્થાયી થવા તેમજ અહીં રોકાણ લંબાવવા માટે ભારતીયોને વિઝા પ્રાપ્ત કરાવી આપવા માટે નકલી લગ્ન કરાવી આપનાર એક ટોળકીની થાઈ પોલીસે ધરપકડ કરી છે.

‘આ ટોળકીમાં મુખ્ય આરોપી એટલે કે દલાલી કરનાર માણસ ભારતીય છે, જેનું નામ વિક્રમ લેઢી છે. આ માણસ બેંગકોકમાં સ્થાયી થવા માગતી ભારતીય વ્યક્તિઓ સાથે એની ટોળકીમાંની કોઈ એક થાઈ યુવતીના નકલી મેરેજ રજીસ્ટર કરાવી આપતો હતો,’ એવું ઈમિગ્રેશન બ્યુરોના વડા અને ટેક્નોલોજી ક્રાઈમ સપ્રેશન સેન્ટરના નાયબ વડા લેફ. જનરલ સુરાચેટ હકપાલે કહ્યું છે. આ સમાચાર ત્યાંના અખબાર ‘ધ નેશન’માં ટાંકવામાં આવ્યા છે.

વધુમાં સુરાચેટે કહ્યું કે, ‘ધરપકડ કરાયેલી દરેક થાઈ મહિલાને પ્રતિ લગ્ન રજીસ્ટ્રેશનના 8,000થી 10,000 બાટ (થાઈ કરન્સી) ચૂકવવામાં આવતા હતાં. આમાંની કોઈ પણ મહિલા એનાં જેની સાથે લગ્ન રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા એવા એકેય પુરુષની સાથે ક્યારેય રહી નહોતી. એમાંની એક મહિલાની ઉંમર તો 70 વર્ષ છે જેને પોતાનો પરિવાર તથા બાળકો પણ છે.

પોલિસ અધિકારીઓએ જણાવ્યું કે, થાઈલેન્ડમાં 8,000થી વધુ ભારતીયો છે. જેમાંના 127 જણે ગેરકાયદેસર રેસિડેન્શિયલ વિઝા મેળવ્યા છે, જે રદ્દ કરી દેવામાં આવ્યાં છે.

127માંના 36 પુરુષોને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા છે.