‘ભારત-ચીન વચ્ચે કેટલાંક મતભેદ છતાં વિકાસ માટે બંને એકબીજાના સહયોગી’

બિજીંગ- ભારત ચીન વચ્ચે 1962માં થયેલા યુદ્ધના વર્ષો બાદ ડોકલામ જેવી ઘટના અને આ ઉપરાંત પણ બન્ને દેશો વચ્ચે સતત મતભેદ અને સરહદી વિવાદને કારણે બન્ને દેશોના સંબંધોમાં ભલે મતભેદ સર્જાયા હોય પરંતુ ભારત અને ચીનના સંબંધો સતત મજબૂત થઈ રહ્યાં છે. આ શબ્દો છે ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બંબાવલેના. તેમણે કહ્યું કે, એ વાત સ્પષ્ટ છે કે, ભારત અને ચીન વચ્ચે કેટલાંક મતભેદો છે. પરંતુ વિકાસના મુદ્દે બન્ને દેશ એક બીજાથી અલગ થઈ શકે નહીં. કદાચ આ જ ઉષ્માપૂર્ણ સંબંધોની અસર છે કે, સરહદ પર તણાવ વધવા છતાં બન્ને દેશની સેનાઓએ હંમેશા શાંતિપૂર્ણ સમાધાન શોધવા પ્રયાસ કર્યો છે.ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બંબાવલેએ જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે મતભેદ હોવા છતાં બન્ને દેશ એ સુનિશ્ચિત કરશે કે, પ્રગતિ અને સમૃદ્ધિ માટે બન્ને સાથે કાર્યરત રહેશે. ભારતીય રાજદૂતે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે થોડા દિવસો બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ શાંઘાઈ કોર્પોરેશન સહયોગ સમ્મેલનમાં દ્વિપક્ષીય વાટાઘાટ કરશે.

ચીનના સરકારી ટેલિવિઝન સાથે એક મુલાકાતમાં બંબાવલેએ કહ્યું કે, ભારત અને ચીન પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે કાર્યરત રહેશે. આપને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી આગામી 9 અને 10 જૂનના રોજ ચીનના ક્વિંગદાઓમાં યોજાનારા SCO સમ્મેલનમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, વુહાનમાં ચીનના પ્રેસિડેન્ટ સાથેની અનૌપચારિક મુલાકાતના એક મહિના બાદ બન્ને નેતાઓ ફરીવાર મળવાની તૈયારી કરી રહ્યાં છે.