US મીડિયા પર ભારતીય રાજદૂતનો ગુસ્સો, નકારાત્મક છબી દર્શાવવાનો આરોપ

વોશિંગ્ટન- અમેરિકામાં ભારતના રાજદૂત નવતેજસિંહ સરનાએ ભારતની નકારાત્મક છબી રજૂ કરવા માટે અમેરિકન મીડિયાની આલોચના કરી છે. સરનાએ કહ્યું કે, ભારતમાં હાજર વિદેશી પત્રકારોમાંથી કેટલાંક પત્રકારોનું વલણ રહ્યું છે કે, અમુક પ્રકારના જ સમાચાર દર્શાવવા અને ભારતના વિકાસ સંબંધિત ખબરોની અવગણના કરવી. નવતેજસિંહ સરના અમેરિકાની વરિષ્ઠ થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં એક સંબોધન કરવા દરમિયાન ઉપરોક્ત વાત જણાવી હતી.કાર્યક્રમમાં નવતેજસિંહ સરનાને અમેરિકાના મુખ્ય મીડિયા પ્રવાહમાં ભારતની છબી અંગે પુછવામાં આવ્યું હતું. જે અંગે સરનાએ કહ્યું કે, ‘આ મુદ્દા અંગે મને ભારતની ચિંતા નથી પણ અમેરિકન મીડિયાની દયા આવે છે. કારણકે, ભારત પ્રગતિ કરી રહ્યો છે પણ અમેરિકન મીડિયા નહીં. અમેરિકન મીડિયા ફક્ત મર્યાદિત ખબરો જ દર્શાવે છે અને ભારતના વિકાસ સાથે જોડાયેલા સમાચારોને નજરઅંદાજ કરે છે. વધુમાં સરનાએ કહ્યું કે, ભારતની નકારાત્મક છબી દર્શાવીને અમેરિકન મીડિયા પોતાના જ લોકો સાથે અન્યાય કરે છે.

આ પહેલા નવતેજસિંહ સરનાએ ભારતીય દૂતાવાસમાં ચાર વર્ષ સુધી પ્રવક્તાની જવાબદારી નિભાવી હતી. તેમના કાર્યકાળ અંગે જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે સરનાએ કહ્યું કે, ‘મેં ત્યારે પણ અમેરિકાને સમજાવવા પ્રયાસ કર્યો હતો પણ સફળ થયા નહતો’. સરનાએ કહ્યું કે, ભારતની છબીને યોગ્ય રીતે રજૂ કરવી અમેરિકા માટે પણ જરુરી છે.