પાક. મૂળના ઓસી ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઈની સિડનીમાં ધરપકડ, ગંભીર આરોપ

સિડની- ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર ટીમના આધારભૂત ખેલાડી ઉસ્માન ખ્વાજાના ભાઈની સિડની પોલિસે ધરપકડ કરી છે. ખ્વાજાના ભાઈ અર્સાકન ખ્વાજા પર નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ટેરરિસ્ટ ટાર્ગેટનું નકલી લિસ્ટ બનાવવા ઉપરાંત કથિત રીતે શ્રીલંકાના એક વિદ્યાર્થીને ફસાવવાનો પણ આરોપ છે. આ નકલી ષડયંત્ર હેઠળ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાનને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમનો પ્રમુખ બેટસ્મેન 31 વર્ષીય ઉસ્માન ખ્વાજા અસાર્કન ખ્વાજાનો નાનો ભાઈ છે, અને તે આગામી ગુરુવારથી શરુ થતી ટેસ્ટ સીરીઝમાં ભારત સામે રમશે.

ગત ઓગસ્ટ મહિનામાં પોલીસે શ્રીલંકાનો વિદ્યાર્થી મોહમ્મદ કમેર નિઝામુદ્દીનની સિડની ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ચાલુ વર્ષની શરૂઆતમાં ન્યુ સાઉથ વેલ્સ યૂનિવર્સિટીની લાઈબ્રેરીમાંથી એક નોટબુકમાં કથિત રીતે આ યોજના લખવામાં આવી હતી, જેના આધારે મોહમ્મદ કમેરની ધરપકડ કરવામાં આવી હતી.અર્સાકન ખ્વાજા એ જ વિભાગમાં કામ કરે છે,જેમાં નિઝામુદીન છે. ઓસ્ટ્રેલિયા પોલીસનું કહેવુ છે કે, એક મહિલાને લઈને ખ્વાજા તેનો બદલો લેવા માગતો હતો.

નોટબુકમાં પૂર્વ વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલ, નાયબ વડાપ્રધાન જૂલી બિશપ અને પૂર્વ સ્પીકર બ્રાનવિન બિશપને મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.આ ઉપરાંત ટ્રેન સ્ટેશનો, સિડની ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજને ઉડાવી દેવાના ષડયંત્રની પણ બ્લુપ્રિન્ટ હતી. જોકે બાદમાં ખબર પડી હતી કે આ લિસ્ટના હસ્તાક્ષર અને નિઝામુદ્દીનના હસ્તાક્ષર અલગ અલગ છે. પોલિસને શંકા છે કે લિસ્ટ ખ્વાજાના ભાઈએ બનાવીને આયોજન પૂર્વક નિઝામુદ્દીનને ફસાવ્યો છે.

જોકે અર્સાકન ખ્વાજાને હાલમાં તો કોર્ટે જામીન પર છોડ્યો છે, પણ તેનો પાસપોર્ટ જમા કરવાનો આદેશ આપ્યો છે સાથે 50 હજાર ડોલરની પેનલ્ટી ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ખ્વાજા પાકિસ્તાની મૂળનો છે.