ભારત-સિંગાપોરના સંબંધો ખૂબ જ ઉષ્માભર્યા, ગાઢ છેઃ પીએમ મોદી

સિંગાપોર – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં જણાવ્યું છે કે ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધ કોઈ પણ પ્રકારના આરોપ કે દાવાઓથી મુક્ત ખૂબ જ ઉષ્માભર્યા અને ગાઢ છે.

મોદીએ અહીં એક વ્યાપારી તથા સામુદાયિક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારતે જ્યારે વિશ્વના દેશો સાથે સંબંધો સુધારવાનું શરૂ કર્યું હતું અને પૂર્વના દેશો તરફ હાથ લંબાવ્યો હતો ત્યારે સિંગાપોર ભારતનું ભાગીદાર બન્યું હતું. ભારત તથા એસિયન (એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ) ગ્રુપ વચ્ચે સિંગાપોર એક સેતુ બન્યું છે.

ભારત અને સિંગાપોર વચ્ચેના રાજકીય સંબંધો પણ ખૂબ જ ઉષ્માભર્યા અને ગાઢ છે. આ સંબંધોમાં કોઈ આક્ષેપબાજી નથી, કોઈ દાવા-પ્રતિદાવાઓ નથી, કોઈ શંકા નથી કે કોઈ પ્રકારનો ઉશ્કેરાટ પણ નથી, એમ મોદીએ વધુમાં કહ્યું.

દક્ષિણ-પૂર્વ એશિયાના ત્રણ દેશો – ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના પ્રવાસના અંતિમ ચરણમાં મોદી આજે સિંગાપોર આવી પહોંચ્યા હતા. બિઝનેસ અને સામુદાયિક કાર્યક્રમમાં હાજરી આપી તે પહેલાં મોદી સિંગાપોરના વડા પ્રધાન લી સેન લૂંગને મળ્યા હતા અને મરિના બૅ સેન્ડ્સ કન્વેન્શન સેન્ટર ખાતે ભારત-સિંગાપોર એન્ટરપ્રાઈઝ એન્ડ ઈનોવેશન એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.