PoKના રસ્તે બસ ચલાવવા ચીન-પાક.ની તૈયારી, ભારતે વ્યક્ત કર્યો વિરોધ

ઈસ્લામાબાદ- ચીન અને પાકિસ્તાન વચ્ચે શરુ થનારી બસ સેવાનો ભારતે સખત વિરોધ કર્યો છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અંતર્ગત શરુ થનારી આ બસ સેવા પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાંથી (PoK) પસાર થશે. આ જ કારણ છે કે, ભારત તેના વિરોધ કરે છે.મળતી માહિતી મુજબ પાકિસ્તાનના લાહોર અને ચીનના કાશગર વચ્ચે PoKમાંથી પસાર થઈને આગામી 13 નવેમ્બરથી બસ સેવા શરુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત પહેલેથી જ ચીનના આ પ્રોજેક્ટનો વિરોધ કરતું આવ્યું છે. હવે આ બસસેવા વિવાદનું નવું કારણ બની છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમણે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પરિયોજના અંતર્ગત પાકિસ્તાન અધિકૃત કશ્મીરથી પસાર થઈને ચાલનારી પ્રસ્તાવિત બસસેવા અંગે ચીન અને પાકિસ્તાન સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું કે, આ બસસેવા ભારતની સંપ્રભુતા અને અખંડતાનું ઉલ્લંઘન છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતનું આ વલણ પહેલેથી જ રહ્યું છે કે, વર્ષ 1963નો તથાકથિત ચીન-પાકિસ્તાન બોર્ડર એગ્રીમેન્ટ અવૈધ અને અમાન્ય છે. અને ભારત સરકારે તેને ક્યારેય માન્યતા આપી નથી.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના કાશગર સુધી 50 બિલિયન ડોલરના (આશરે 3 લાખ કરોડ રુપિયા) ખર્ચે ઈકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ તૈયાર થયા બાદ ચીનની પહોંચ અરબ સાગર સુધી થઈ જશે.