‘પાકિસ્તાન બનાવી રહ્યું છે પરમાણુ હથિયાર, ભારત પર મોટા આતંકી હુમલાનો ખતરો’

વોશિંગ્ટન- અમેરિકાના જાસુસી વિભાગના વડા ડૈન કોટ્સે ચેતવણી ઉચ્ચારી છે કે, પાકિસ્તાન નવા પ્રકારના પરમાણુ હથિયાર વિકસીત કરી રહ્યું છે. જેમાં મધ્યમ રેન્જમાં પ્રહાર કરવાની ક્ષમતાવાળા હથિયાર ઉપરાંત મિસાઈલ, હવાઈ ક્રૂઝ મિસાઈલ અને લાંબા અંતરમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિલાઈલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેથી ડૈન કોટ્સે ચેતવણી ઉચ્ચારી છે કે, પાકિસ્તાનને કારણે એશિયાઈ દ્વીપમાં અશાંતિ ફેલાઈ શકે છે.વધુમાં કોટ્સે જણાવ્યું કે, ભારતમાં પાકિસ્તાનની ધરતી પરથી પ્રયોજીત આતંકવાદ શરુ રહેશે. મહત્વનું છે કે, અમેરિકા તરફથી આ ચેતવણી સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, જમ્મુ-કશ્મીરના સુંજવાન આર્મી કેમ્પ પર ગત સોમવારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં ભારતીય સેનાના 6 સૈનિકો શહીદ થયા હતા અને એક નાગરિકનું પણ મોત થુયું હતું.

અમેરિકાના જાસુસી વિભાગના રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો આગામી દિવસોમાં પણ તણાવપૂર્ણ રહેશે. મહત્વનું છે કે, સુંજવાન આર્મી કેમ્પ પર હુમલા બાદ ભારતના રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે  જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનને તેની હરકતોની કીમત ચુકવવી પડશે’.