અમેરિકાએ કર્યું નવી સુરક્ષા નીતિનું એલાન, ભારતને ગણાવ્યું નવું ગ્લોબલ પાવર

વોશિંગ્ટન- ભારત અને અમેરિકાના સંબંધો ગત કેટલાક સમય દરમિયાન વધુ મજબૂત થયાં છે. હાલમાં જ અમેરિકાએ તેની નવી સુરક્ષા નીતિનું એલાન કર્યું છે. જેમાં અમેરિકાએ ભારતનો નવા ગ્લોબલ પાવર તરીકે ઉલ્લેખ કર્યો છે. અમેરિકન પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું કે, આગામી સમયમાં અમેરિકા ભારત સાથે તેની રણનીતિ વધુ મજબૂત કરશે.

અમેરિકાની નવી નીતિ અનુસાર પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે ભારત અમેરિકાના નૈતૃત્વનું સમર્થન કરે છે. 68 પાનાનાં દસ્તાવેજમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત સાથે સહયોગ વધુ વિકસિત કરવા પ્રયાસ કરશે.

આ તરફ ભારતે પણ અમેરિકા દ્વારા તેની નવી સુરક્ષા નીતિમાં ભારત અને અમેરિકાના સંબંધોને આપવામાં આવેલા મહત્વની પ્રશંશા કરી છે. અને જણાવ્યું છે કે, આતંકવાદ સામેની લડાઈમાં બન્ને દેશ પરસ્પર સહયોગ વધારવા તૈયાર છે. આ અંગેની માહિતી ભારતીય વિદેશ વિભાગના પ્રવક્તાએ આપી હતી.

આપને જણાવી દઈએ કે, પોતાની નવી સુરક્ષા નીતિની જાહેરાત કરવા સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા માટે તેનું અને અને તેના સહયોગી દેશોનું હિત સર્વોપરી છે. અને તેને જાળવી રાખવા અમેરિકા કોઈપણ પગલું ભરવા તૈયાર છે.