ચીને પાકિસ્તાનને આપ્યો ઝાટકો: મોદીપ્રવાસની અસર?

વુહાનઃ વડાપ્રધાન મોદીના બે દિવસના ચીન પ્રવાસમાં ભલે બન્ને દેશો વચ્ચે કોઈપણ કરાર ન થયા હોય પરંતુ બન્ને દેશો વચ્ચે એક મુદ્દે સહમતી સધાઈ છે જે પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનમાં ચીન અને ભારત સાથે કામ કરશે તે મુદ્દા પર ભારતના વડાપ્રધાન મોદી અને શી જિનપિંગે સહમતી દર્શાવી છે. બન્ને નેતાઓએ માન્યું કે ચીન અને ભારતે સાથે મળીને ઈન્ડિયા-ચાઈના ઈકોનોમિક પ્રોજેક્ટ અંતર્ગત અફઘાનિસ્તાનમાં કામ કરવું જોઈએ.

ભારત અને ચીન વચ્ચે સધાયેલી આ સહમતિથી પાકિસ્તાનની ચિંતામાં ચોક્કસ વધારો થશે, કારણ કે પાકિસ્તાન હંમેશા અફઘાનિસ્તાનમાં ભારતની દખલઅંદાજીનો વિરોધ કરતુ આવ્યું છે. વડાપ્રધાન મોદીએ પોતાના બે દિવસના ચીનના પ્રવાસ દરમિયાન 6 વાર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મીટિંગ દરમિયાન બંન્ને દેશો વચ્ચે એ વાત પર સહમતી સધાઈ કે, એવા ક્ષેત્રોની ઓળખ કરવી જોઈએ કે જેમાં ભારત અને ચીન સાથે મળીને અફઘાનિસ્તાનમાં કામ કરી શકે.

જો કે પ્રથમવાર એવું બન્યું છે કે ચીને યુદ્ધ પ્રભાવિત દેશ અફઘાનિસ્તાનમાં કોઈ પ્રોજેક્ટમાં સીધી રીતે કોઈપણ પ્રકારની ખલેલ કે દલીલ વગર ઉતરવાનો નિર્ણય કર્યો હોય. અત્યાર સુધી ચીન દ્વારા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનને જ રણનૈતિક રીતે સપોર્ટ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન અને અમેરિકા ઘણીવાર પાકિસ્તાન પર આરોપ લગાવે છે કે તે આતંકવાદને વેગ આપી રહ્યું છે અને અશાંત દેશમાં તાલિબાનને મજબૂતી આપવાનું કાર્ય કરી રહ્યું છે.