દક્ષિણ એશિયામાં પ્રભુત્વ વધારવા ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા

બિજીંગ- દક્ષિણ એશિયામાં ભારત અને ચીન વચ્ચે પ્રભુત્વ વધારવાને લઈને સ્પર્ધા ચાલી રહી છે. એપ્રિલથી શરુ થઈ રહેલા નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ભારત સરકારે દક્ષિણ એશિયાના કેટલાક દેશોને આપવામાં આવતી સહાય વધારી દીધી છે. જેમાં ભારતે પાડોશી દેશ ભૂટાન અને નેપાળને આર્થિક સહાય વધારવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ ચીને પણ નેપાળ અને બાંગ્લાદેશમાં રોકાણ વધારવા તૈયારી દર્શાવી છે.ભારતના પાડોશી દેશોમાં ચીનની વધી રહેલી હાજરી ભારત માટે પણ ચિંતાનં કારણ છે. જેને ધ્યાનમાં રાખીને મોદી સરકારે નવી રણનીતિ પર કામ કરવાનું શરુ કર્યું છે. જેને લઈને ભારત સરકારે એપ્રિલથી શરુ થઈ રહેલા નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન દક્ષિણ એશિયાના કેટલાક દેશોને આપવામાં આવતી સહાય વધારી દીધી છે. મહત્વનું છે કે, ભારત તેના પાડોશી દેશોને આર્થિક મદદ કરીને સંબંધો મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ચીન મૂડીવાદી અભિગમ પર કાર્ય કરી રહ્યું છે.

ભારતની યાદીમાં નેપાળ અને ભૂટાન ટૉપ પર

ભારત સરકારની આર્થિક સહાયની યાદીમાં પાડોશી દેશ નેપાળ અને ભૂટાનને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને એ જ કારણ છે કે, નેપાળને ગત વર્ષની સરખામણીમાં 73 ટકા વધુ એટલે કે, રુપિયા 600 કરોડની આર્થિક સહાય ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. વર્ષ 2017-18માં ભારતે નેપાળને 375 કરોડ રુપિયાની આર્થિક સહાય કરી હતી.

જોકે નેપાળ એકલો દેશ નથી જેને ભારત આર્થિક સહાય કરી રહ્યું છે. ભૂટાન પણ ભારત પાસેથી સૌથી વધુ આર્થિક સહાય મેળવી રહ્યું છે. ભૂટાનને ભારત 1813 કરોડ રુપિયાની સહાય કરી રહ્યું છે. જોકે આ સહાય ભૂટાનમાં હાઈડ્રોલીક પ્રોજેક્ટ સહિત અન્ય વિકાસ કાર્યો માટે ભૂટાનની રૉયલ ગવર્નમેન્ટને આપવામાં આવતી સહાયનો એક ભાગ છે.

ચીનનો મૂડીવાદી અભિગમ

ભારત કરતાં ચીનની રણનીતિ એકદમ ભિન્ન છે. ચીન નાના અને અવિકસિત દેશોને માળખાકિય પરિયોજનાઓ માટે ઉંચા વ્યાજે લોન આપે છે અને જે-તે દેશના પ્રોજેક્ટમાં પોતાની ભાગીદારી પણ રાખે છે. જ્યારે લોન લેનારો દેશ લોનની રકમની સમયસર ભરપાઈ કરવામાં અસમર્થતા દર્શાવે ત્યારે ચીન તેની જમીન સહિત નિર્માણાધીન પ્રોજેક્ટ ઉપર પણ પોતાનો માલિકી હદ મેળવી લે છે. જેનું હાલનું ઉદાહરણ શ્રીલંકા છે. હંબનટોટા પોર્ટના વિકાસ માટે શ્રીલંકાએ ચીન સાથે 1.1 અબજ ડોલરના કરારા પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યાં ચીનની સરકારી કંપનીને 99 વર્ષના ભાડા પર પોર્ટ અને 15 હજાર એકર જમીન મેળવી તેના પર એક ઈન્ડ્સ્ટ્રીયલ ઝોન ડેવલપ કરવાની જાહેરાત કરી છે.