ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજર રહેવાનું કપિલ દેવ, ગાવસકરને આમંત્રણ

0
857

ઈસ્લામાબાદ – ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડા પ્રધાન બનવાના છે. એમનો શપથવિધિ સમારોહ આવતી 11 ઓગસ્ટે યોજાવાનો છે. એમાં હાજર રહેવા માટે નિશ્ચિત ઈમરાન ખાનની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ ભૂતપૂર્વ કેપ્ટનો સુનીલ ગાવસકર અને કપિલ દેવ ઉપરાંત બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને આમંત્રણ આપ્યું છે.

PTIના પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યું કે શપથવિધિ સમારોહમાં હાજર રહેવા માટે નવજોત સિંહ સિધુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સિધુ હાલ પંજાબ રાજ્યમાં કોંગ્રેસની સરકારમાં પ્રધાન છે.

65 વર્ષીય ઈમરાન ખાનની પાર્ટી ગઈ 25 જુલાઈએ પાકિસ્તાનમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ એને સ્પષ્ટ બહુમતી ન મળતાં એ પોતાના બળે સરકાર રચી શકે એમ નથી. એને અન્ય નાના પક્ષો કે અપક્ષ સંસદસભ્યોનો ટેકો લેવો પડશે.

અગાઉ એવો અહેવાલ હતો કે ઈમરાન ખાનની પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ શપથવિધિ સમારોહ માટે આમંત્રણ આપવા વિચારી રહી છે. એ દિશામાં પાર્ટીમાં વિચારવિમર્શ ચાલી રહ્યો છે.