પાકિસ્તાનના નવા વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનની વરણી; શનિવારે શપથગ્રહણ

0
500

ઈસ્લામાબાદ – ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાને પાકિસ્તાનના નવા વડા પ્રધાન તરીકે આજે દેશની સંસદમાં યોજાયેલા વિશ્વાસના મતદાનમાં જીત હાંસલ કરી છે. નવા ચૂંટાયેલા 176 સભ્યોએ દેશના નવા, 22મા વડા પ્રધાન તરીકે ઈમરાનની તરફેણમાં મત આપ્યો હતો. હવે ઈમરાન ખાન આવતીકાલે વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.

રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણીમાં પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પાર્ટીના નેતા શાહબાઝ શરીફને પરાજય આપ્યો હતો. પીએમએલ (એન) પાર્ટીના શરીફને 96 વોટ મળ્યા હતા.

શાહબાઝ શરીફની ઉમેદવારીના મામલે મતભેદ થતાં બિલાવલ ભૂટ્ટો ઝરદારીના નેતૃત્ત્વ હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી આજે યોજાયેલા મતદાન વખતે ગેરહાજર રહેતાં વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનની પસંદગી નિશ્ચિત બની હતી. પીપીપી પાર્ટીના 54 સભ્યો ગેરહાજર રહ્યા હતા.

નવજોત સિંહ સિધુ ઈસ્લામાબાદ પહોંચ્યા

દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પંજાબની કોંગ્રેસી સરકારના પ્રધાન નવજોત સિંહ સિધુ ઈમરાન ખાનના આમંત્રણને માન આપીને ઈમરાનના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે આજે ઈસ્લામાબાદ પહોંચી ગયા છે.