શપથવિધિ સમારોહમાં કોઈ પણ વિદેશી હસ્તીઓને આમંત્રિત ન કરવાનો ઈમરાનનો નિર્ણય

ઈસ્લામાબાદ – અખબારી અહેવાલો અનુસાર, પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા અને વડા પ્રધાન તરીકે વરાયેલા ઈમરાન ખાને નક્કી કર્યું છે કે 11 ઓગસ્ટે એમના શપથવિધિ સમારોહમાં કોઈ પણ વિદેશી નેતાઓ કે અન્ય સેલિબ્રિટી વ્યક્તિઓને આમંત્રિત કરવા નહીં.

પાકિસ્તાનની PTI પાર્ટીએ અગાઉ એવું નક્કી કર્યું હતું કે ઈમરાનના શપથવિધિ સમારોહમાં કપિલ દેવ, સુનીલ ગાવસકર, નવજોત સિંહ સિધુ જેવી ક્રિકેટ હસ્તીઓ તથા બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને આમંત્રિત કરવામાં આવશે.

જોકે હવે ઈમરાન ખાને એમની પાર્ટીને સૂચના આપી છે કે શપથવિધિ સમારંભને સાદગીપૂર્ણ રાખવો.

ઈમરાનનો શપથવિધિ સમારોહ ઐવાન-એ-સદ્ર (પ્રમુખના નિવાસસ્થાન) ખાતે સાદાઈથી યોજવામાં આવશે.

શપથવિધિ સમારોહમાં કોઈ પણ વિદેશી હસ્તીઓને આમંત્રિત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માત્ર રાષ્ટ્રીય સ્તરનો જ પ્રસંગ હશે. એમાં ઈમરાન ખાનના અમુક ગાઢ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે.

એ સમારંભ ખાતે કોઈ પ્રકારનો ભપકો રાખવામાંન નહીં આવે, એવું પીટીઆઈ પાર્ટીના પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યું છે.

65 વર્ષીય ઈમરાન ખાનની પાર્ટી ગઈ 25 જુલાઈએ પાકિસ્તાનમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ એને સ્પષ્ટ બહુમતી ન મળતાં એ પોતાના બળે સરકાર રચી શકે એમ નથી. એને અન્ય નાના પક્ષો કે અપક્ષ સંસદસભ્યોનો ટેકો લેવો પડશે.