46000 પાઉન્ડનો આ બિઝનેસ છે જે દર વર્ષે વૃદ્ધિ કરી રહ્યો છે….

લંડન- સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ મારફતે અનેક લોકો તેમની પ્રોડક્ટ્સ વેચતાં હોય છે. ધ સન સમાચાર પત્રમાં છપાયેલાં એક રિપોર્ટ અનુસાર ઈન્ટાગ્રામ પર એક એકાઉન્ટ એવું છે જેના પરથી માણસની ખોપડીઓના વેચાણ માટે સેલ લાગે છે. તેમાં પણ દિલચસ્પ વાત એ છે કે, માણસોની આ ખોપડીઓને ખરીદવા માટે પણ મોટી સંખ્યામાં ગ્રાહકો મળી રહ્યાં છે. વૈજ્ઞાનિક પરિક્ષણથી લઈને મેડિકલના અભ્યાસ માટે આ માનવ ખોપડીઓની ખરીદી થઈ રહી છે.

મહત્વનું છે કે, યૂનાઈટેડ કિંગડમમાં માનવીય શરીરના હાડકા અને ખોપડીઓના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી. માણસોની ખોપડીઓ વેચાવા માટે #skull, #skeleton વગેરે જેવા હેશટેગનો પ્રયોગ કરવામાં આવે છે. ખોપડીઓ અને હાડકાંઓની કિંમત પણ કોમેન્ટમાં લખવામાં આવે છે. આ એકાઉન્ટ પર નિયમિત આવતાં યૂઝરો માટે તો આ એક સામાન્ય વાત છે, પરંતુ કોઈ આજાણી વ્યક્તિ આ એકાઉન્ટ પર પહોંચે તો તેમના માટે મુશ્કેલીભર્યું બની જાય છે.

સામાન્ય રીતે ખરીદાર તેમના વિક્રેતાને પર્સનલ મેસેજ કરે છે. બંન્ને વચ્ચે એક ડીલ થાય છે, જેમાં શિપિંગ અને પેકેજિંગ જેવા ચાર્જ પણ સામેલ હોય છે. સ્ટોકહોમ યૂનિવર્સિટીના 2017મા પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર યૂકેમાં આશરે 46000 પાઉન્ડનો આ બિઝનેસ છે જે દર વર્ષે વૃદ્ધિ કરી રહ્યો છે.

અન્ય એક સ્વતંત્ર રિસર્ચરનો દાવો છે કે, સાચા આંકડા આના કરતાં પણ વધારે છે. રિપોર્ટ્સ અનુસાર મોટાભાગે હાડકાં-ખોપડીઓ વગેરેની ખરીદી રિસર્ચ, મેડિકલ સાયન્સ માટે કરવામાં આવે છે. જીવ વિજ્ઞાન અને માનવ શરીરના વિદ્વાન પણ આની ખરીદી કરે છે.