પ્રતિબંધો છતાં પરમાણું શક્તિ બન્યું ઉત્તર કોરિયા, ભારતના શત્રુ દેશે કરી મદદ

0
1464

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયા પર ઘણા લાંબા સમયથી આર્થિક પ્રતિબંધો રહ્યા છે. બહુ ઓછા દેશો સાથે તેના રાજકીય સંબંધો રહ્યા છે. તો પછી ઉત્તર કોરિયાને સરળતાથી પરમાણું હથિયારની ટેકનોલોજી કેવી રીતે પ્રાપ્ત થઈ? મળતી માહિતી મુજબ પાકિસ્તાને અંદરખાને ઉત્તર કોરિયાની મદદ કરી અને તેને પરમાણું હથિયાર વિકસાવવા માટે સહાયતા કરી છે.ઉત્તર કોરિયા પોતાની પરમાણું તાકાતથી વિશ્વને ડરાવતું રહ્યું છે. પરંતુ હવે પરિસ્થિતિએ ‘યુ ટર્ન’ લેતાં હવે ઉત્તર કોરિયા શાંતિની વાતો કરી રહ્યું છે. તેણે પોતાના પરમાણું પરીક્ષણ કરવાના સ્થળને પણ નષ્ટ કરવાની જાહેરાત કરી છે. હવે ઉત્તર કોરિયા આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે શાંતિવાર્તામાં જોડાવા પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાન બન્યું ઉત્તર કોરિયાનું સહાયક

થોડા મહિના અગાઉ પોતાના ગેરજવાબદાર પરમાણું કાર્યક્રમ ચાલુ રાખવાની જીદને કારણે ઉત્તર કોરિયા વિશ્વથી લગભગ અલગ હતું તેમ કહી શકાય. મહત્વનું છે કે, ઉત્તર કોરિયાને પરમાણું શક્તિ આપવામાં પાકિસ્તાન મદદ કરતું રહ્યું છે. ઉત્તર કોરિયા અને પાકિસ્તાન વચ્ચે 1990ના દશકથી નજીકના સંબંધો રહ્યાં છે. ત્યારબાદ ઉત્તર કોરિયા અને પાકિસ્તાન વચ્ચે લિક્વિડ ફ્યૂલ બેલેસ્ટિક મિસાઈલ ટેકનોલોજી ટ્રાંસફર કરવાને લઈને કરાર કરવામાં આવ્યો હતો.

બન્ને દેશ વચ્ચે થયેલા કરાર મુજબ, બન્ને દેશોના વૈજ્ઞાનિક મિસાઈલ ટેકનોલોજી પર સાથે મળીને કામ કરશે. ઉત્તર કોરિયાએ મિસાઈલ વિકસિત કરવામાં પાકિસ્તાનની મદદ કરી અને પાકિસ્તાનના વૈજ્ઞાનિક અબ્દુલ કાદીર ખાનના રિસર્ચ સેન્ટરે ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર વિકસિત કરવાની માહિતી આપી હતી.