સોનાના ચળકાટથી મોહિત ભારતીયો વિશ્વના આ દેશમાં સૌથી આગળ…

દુબઈઃ સંયુક્ત અરબ અમીરાતના શહેર દુબઈમા સોનામાં રોકાણ કરવા મામલે ભારતીયો સૌથી આગળ છે. દુબઈમાં ભારતીયો પછી સોનામાં સૌથી વધુ રોકાણ પાકિસ્તાન, બ્રિટેન, સાઉદી અરબ, ઓમાન, બેલ્જિયમ, યમન અને કેનેડાના લોકો કરે છે.

મહત્વનું છે કે, દુબઈમાં ગોલ્ડ સેક્ટરમાં અંદાજે 4086 કંપનીઓ કામ કરે છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર દુબઈમાં ગોલ્ડના અંદાજે 62,125 રોકાણકારો છે, જેમાં લગભગ 60 હજાર પુરુષ કારોબારી અને 2 હજાર મહિલા કારોબારી છે. દેશના આર્થિક વિકાસ વિભાગ (DEO)ના રિપોર્ટ અનુસાર, આ 4 હજારથી વધુ કંપનીઓને 2498 લાઈસન્સ જારી કરવામાં આવ્યાં છે.

દુબઈમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે. વર્ષ 2018માં દુબઈ જનારા ભારતીયોની સંખ્યાં 20 લાખથી વધુની હતી. આ સાથે જ ગત વર્ષે સંયુક્ત અરબ અમીરાતમાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભારતીયોની સંખ્યો સૌથી વધુ રહી હતી.

ગત વર્ષે દૂબઈમાં ગોલ્ડ, જ્વેલરી અને ડાયમંડનું કુલ વેચાણ 274 અરબ દિરહમ સુધી પહોંચી ગયું હતું. જે વર્ષ 2017ની તુલનામાં ત્રણ ટકા વધારે હતું. સમગ્ર સંયુક્ત અરબ અમીરાતમાં હાલના વર્ષોમાં સોનુ અને અન્ય કિંમતી ધાતુઓનું વેચાણ ઘણું વધી ગયું છે. ગોલ્ડ સેક્ટરમાં યુએઈનો વિદેશ વેપાર અંદાજે વાર્ષિક 400 અરબ દિરહમ પર પહોંચ્યો છે. દુબઈમાં અંદાજે 30 દેશોમાંથી સોનાની આયાત કરવામાં આવે છે.

દુબઇ પ્રવાસન અને કોમર્સ માર્કેટિંગ વિભાગ (દુબઇ ટુરીઝમ) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર વર્ષ 2018માં 1.59 કરોડ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ દુબઇ આવ્યાં હતાં, જે એક નવો રેકોર્ડ છે. દુબઇ પ્રવાસન વિભાગના ડિરેક્ટર જનરલ હેલાલ સઇદ અલમરીએ જણાવ્યું કે, મોટી સંખ્યામાં દુબઈ આવનારા ભારતીયોએ ઉદ્યોગ જગતના પ્રમુખ નેતાઓ સાથે મજબૂત વ્યાપારી ભાગીદારી અને લક્ષ્ય કેન્દ્રીય ઝૂંબેશો પૂર્ણ કરી.

યુએનના એક તાજેતરના રિપોર્ટ અનુસાર વિશ્વભરના દેશોમાં જઈને નોકરી કરવા મામલે ભારતીયો સૌથી આગળ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અંદાજે 1.65 કરોડ ભારતીય આ સમયે વિશ્વભરના જૂદા જૂદા દેશોમાં વસવાટ કરીને જોબ કરી રહ્યાં છે. જેમાંથી અંદાજે 50 ટકા ભારતીયો માત્ર અરબ દેશોમાં વસવાટ કરી રહ્યાં છે.

રિપોર્ટ મુજબ, ભારતીયોને અમેરિકાથી કરતા વધુ અરબ દેશ પસંદ આવી રહ્યાં છે. ભારતના લોકો વિશ્વમાં સૌથી વધુ રોજગાર હાલના સમયે યુએઈમાં મેળવી રહ્યાં છે. સમગ્ર અરબમાં હાલના સમયે અંદાજે 89 લાખ ભારતીયો વસવાટ કરી રહ્યાં છે. આ સંખ્યા ભારતીયોની કુલ માઈગ્રેટ જનસંખ્યાની અડધી છે.