ફ્રાંસની સરકાર અંતે ઝૂકી: ફ્યૂલ પરનો ટેક્સ વધારો પરત ખેંચ્યો

ફ્રાંસ- ફ્રાંસના સ્થાનિક મીડિયાના રીપોર્ટ અનુસાર ફ્રાંસની સરકારે આજે પેટ્રોલ-ડીઝલ પર ઈકો-ફ્યુલ ટેક્સ વધારા અંગેના નિર્ણયને પરત લેવાની જાહેરાત કરી દીધી છે.

ફ્રાંસના વડાપ્રધાન એડોર્ડ ફિલિપ્પે આજે ફ્યુલ પર ટેક્સ વધાર સંબંધિત નિર્ણયનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની મુલાકાત લેવાના હતાં. પરંતુ પ્રદર્શનકારીઓએ આ વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

‘યલો વેસ્ટ’ અથવા પીળી શર્ટ નામના આ સમૂહના કેટલાક સભ્યોનું કહેવું છે કે, તેમના અન્ય કટ્ટર પ્રદર્શનકારીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા સરકાર સાથે વાતચીતથી દૂર રહેવા કહ્યું હતું.

પેટ્રોલ-ડીઝલ પર એક વિવાદાસ્પદ ટેક્સને લઈને ગત નેવેમ્બરથી ફ્રાંસના જૂદા જૂદા વિસ્તારોમાં સરકાર વિરોધી પ્રદર્શન થઈ રહ્યાં છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ વિરોધ પ્રદર્શને ઘણું આક્રમક રૂપ ધારણ કરી લીધું છે. જેમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયાં છે, અને વાહનો અને બિલ્ડિંગોને આગ ચાંપી દેવામાં આવી હતી.

ફ્રાંસના ગૃહપ્રધાનનું કહેવુ છે કે, ગત રવિવારે થયેલા વિરોધ પ્રદર્શનમાં અંદાજે 1 લાખ 36 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ આંદોલનને સોશિયલ મીડિયામાં ઘણું પ્રોત્સાહન મળ્યુ હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિ મેક્રોની આર્થિક નીતિઓની આલોચના વધતી ગઈ અને વિરોધ પ્રદર્શનની ઘાર તેજ થતી ગઈ.ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ પેરિસમાં થયેલા પ્રદર્શનને અનુચિત ગણાવ્યું અને તેણે તેમના રાજકીય વિરોધીઓને આ માટે જબાદાર ગણાવ્યા હતાં.

વિરોધપક્ષના નેતા મારિન લા પેન પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં, જેમણે કહ્યું કે, મેક્રો 50 વર્ષમાં પહેલા એવા નેતા હશે જેમણે પોતાના જ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કીંમતો વધવાના કારણે ફ્રાંસમાં ફેલાયેલી અશાંતિ ગંભીર સ્વરુપ ધારણ કર્યું હતું. આ સ્થિતીએ 50 વર્ષ જૂની યાદો તાજી કરાવી છે. આ પહેલા અહીંયા 1975માં અહીંયા આવી હિંસા ફેલાઈ હતી. ત્યાર બાદ ફ્રાંસ અત્યાર સુધીની સૌથી ખતરનાક ગૃહ અશાંતિ સામે ઝઝુમી રહ્યું છે. સ્થિતી એટલી ખરાબ થઈ ચૂકી છે કે કેટલાક યુવાનોએ પેરિસમાં વાહનો અને બિલ્ડિંગોને આગ ચાંપી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, ફ્રાંસમાં કારમાં ઉપયોગમાં લેવાતું ડીઝલ મુખ્ય ઈંધણ છે. છેલ્લા 12 મહિનામાં અહીં ડીઝલની કિંમતોમાં 23 ટકાનો વધારો નોંધાયો છે. મેક્રો સરકારે ચાલુ વર્ષે ડીઝલ પર પ્રતિ લિટર 7.6 ટકા હાઈડ્રોકાર્બન ટેક્સ લાગુ કર્યો હતો.