વધતી મોંઘવારી વિરુદ્ધ રોડ પર આવ્યા ફ્રાંસના યુવાનો, 1723 લોકોની ધરપકડ

પેરિસઃ ફ્રાંસમાં યલો વેસ્ટ પ્રદર્શનના નવા દોર દરમિયાન પ્રદર્શનકારિઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ મામલે પોલીસ દ્વારા 1700 થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાંસના ગૃહ મંત્રાલયે આ માહિતી જાહેર કરી હતી. ફ્રાંસના યુવાનો દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં રાષ્ટ્રપતિ મેક્રો વિરુદ્ધ રોડ પર આવીને પ્રદર્શન કરી રહ્યા છે.

મેક્રો વિરુદ્ધ દેશ વ્યાપી પ્રદર્શન છેલ્લા ચાર સપ્તાહથી ચાલી રહ્યું છે. શનિવાર અને રવિવારના રોજ માર્સિલે, બોર્ડોક્સ અને ટૌલાઉજ સહિત ઘણા શહેરોમાં પ્રદર્શનકારિઓ અને પોલિસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગૃહ મંત્રાલય અનુસાર અત્યારસુધી આ મામલે 1723 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલય અનુસાર શનિવારના રોજ પ્રદર્શનમાં આશરે 1,36,000 લોકોએ ભાગ લીધો હતો. એક ડિસેમ્બરના રોજ પણ પ્રદર્શનમાં આટલા જ લોકો પહોંચ્યા હતા. પેરિસમાં પ્રદર્શન હિંસક રહ્યું હતું. પ્રદર્શનકારિઓએ ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. શહેર પ્રશાસન અનુસાર યલો વેસ્ટે એક ડિસેમ્બરની તુલનામાં ખૂબ વધારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પ્રદર્શનોના કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે અને શક્યતાઓ છે કે આવનારા થોડા દિવસોમાં પ્રદર્શનકારીઓને સંબોધિત કરી શકે છે. પ્રદર્શનકારીઓ “મેક્રો રાજીનામુ આપો” ના નારા લગાવી રહ્યા હતા.

એક ડિસેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન 1,201 નાગરિકો અને 284 પોલિસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ફ્રાંસના અધિકારીઓએ 89,000 પોલીસ અને સશસ્ત્ર જવાનો તેનાત કર્યા છે. તો 65,000 પોલીસ જવાનો પણ તેનાત કરવામાં આવ્યા છે. ફ્રાંસમાં સ્થિતીને પહોંચી વળવા માટે 8 હજાર પોલીસ કર્મચારીઓ તો માત્ર રાજધાનીમાં તેનાત કરવામાં આવ્યા છે. પોલિસ દળને પણ કોઈપણ હિંસક સ્થિતીને રોકવા માટે ત્વરિત કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ ટીયર ગેસ અને મોટી માત્રામાં બખ્તરબંધ ગાડીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર યલો વેસ્ટ નામક આંદોલન તેલ પર વધી રહેલા કરો વિરુદ્ધ શરુ થયું છે. પ્રદર્શનકારીઓ દ્વારા પીળુ જેકેટ પહેરીને વિરોધ કરવામાં આવી રહ્યો હોવાના કારણે આ આંદોલનનું નામ યલો વેસ્ટ પડ્યું છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા લોકો મેક્રોના રાજીનામા સાથે, પેન્શન અને શિક્ષા પર સરકારી ખર્ચમાં વૃદ્ધિ, કરોમાં ઘટાડો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈમ્પ્રુવમેન્ટ, વગેરે સહિતની અન્ય પણ ઘણી માંગણીઓ કરી રહ્યા છે.