મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવા UNમાં પ્રસ્તાવ રજૂ કરશે ફ્રાન્સ

નવી દિલ્હી-પુલવામા આતંકી હુમલાને લઈને એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ હેઠળ ટુંક સમયમાં જ ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવથી જેશ એ મોહમ્મદ આતંકી સંગઠનને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં નાખવાના ભારતના પ્રયાસોને મજબૂતી મળશે. જેશ એ મોહમ્મદ સંગઠને હાલમાં જ પુલવામા માં થયેલા આત્મઘાતી આતંકી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 40 સીઆરપીએફ જવાનો શહિદ થયાં હતાં.

આ પ્રસ્તાવને રજૂ કરાયા બાદ છેલ્લા 10 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ થનારો આ પ્રકારનો ચોથો પ્રયાસ હશે. વર્ષ 2009 અને 2016માં અજહર પર પ્રતિબંધ લાદવા માટે ભારત સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિ 1267 પાસે ગયુ હતું. અઝહર જાન્યુઆરી 2016માં પઠાણકોટ વાયુસેનાના મથક પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.

2016માં અમેરિકા, બ્રિટેન અને ફ્રાન્સ પણ આ પ્રસ્તાવને લઈને ભારતની સાથે હતા. 2017માં અમેરિકાએ બ્રિટેન અને ફ્રાન્સના સમર્થનથી સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિ 1267માં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના પ્રમુખ પર પ્રતિબંધની માગ કરવામાં આવી હતી. ચીને હમેશા આ પ્રકારના પ્રસ્તાવો સ્વિકાર કરવાનો વિરોધ કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર એવી આશા છે કે, આ વખતે ફ્રાન્સના પ્રસ્તાવને અન્ય રાષ્ટ્રોનું સમર્થન મળશે.

ફ્રાન્સના સુત્રોનું માનીએ તો, તેમનો દેશ એ વાત પર પણ જોર આપશે કે, પેરિસમાં ચાલી રહેલી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટ ધરાવતા દેશોની યાદીમાં નાખી દે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને જૂન 2018માં એફએટીએફના ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું.અને તેમને નોટિસ આપવામાં આવી હતી કે, જો તેમણે ઘનશોધન અને આતંકીઓને આર્થિક મદદ પર લગામ નહીં લગાવી તો ઓક્ટોબર 2019માં તેમને બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવશે.