હક્કાની નેટવર્કના વડાનું અફઘાનિસ્તાનમાં મોત, તાલિબાને કરી જાહેરાત

કાબુલ- અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના વડા અને આતંકવાદી જલાલુદ્દીન હક્કાનીનું લાંબી બિમારી બાદ મોત થયું છે. આ માહિતી અફઘાનિસ્તાન સ્થિત તાલિબાન સંગઠને જાહેર કરી છે.મળતી માહિતી મુજબ જલાલુદ્દીન હક્કાની અફઘાનિસ્તાનમાં એક મોટું આતંકી નામ હતું અને તેના તાલિબાન અને અલ કાયદા સાથે ગાઢ સંબંધો હતા. અફઘાનિસ્તાન સ્થિત તાલિબાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તેમણે અલ્લાહના ધર્મ માટે યુવાનીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને તેમને પોતાના સ્વાસ્થ્યને લઈને પાછીના વર્ષોમાં લાંબી બીમારી સહન કરવી પડી હતી’.

જોકે તાલિબાન સંગઠને જાહેર કરેલા નિવેદનમાં જલાલુદ્દીન હક્કાનીના મોત અને જગ્યા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગત કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાન અને નાટો સેનાઓ પર કરવામાં આવેલા હુમલાઓ પાછળ હક્કાની નેટવર્કનો હાથ રહ્યો છે. મનાવામાં આવે છે કે, હક્કીનીના દીકરા સિરાજુદ્દીન હક્કીનીને વર્ષ 2001માં આતંકી સમુહની કમાન સોંપવામાં આવી છે.

હક્કાનીના મૃત્યુ અંગે અફવાઓ ઘણા વર્ષોથી ફેલાવવામાં આવી રહી છે. હક્કાની નેટવર્કના નજીકના સૂત્રોએ વર્ષ 2015માં જણાવુયું હતું કે, હક્કાનીનું મોત એક વર્ષ પહેલા જ થઈ ચુક્યું હતું. જોકે તેની સ્પષ્ટતા ક્યારેય કરવામાં આવી નથી.

પાકિસ્તાન સ્થિત હક્કાની નેટવર્ક ઘાતક આતંકી સંગઠન છે. જે આતંકવાદને કારણે પૂર્વ અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા 90 ટકા લોકોના મોત માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઘણા હુમલાઓમાં સામેલ હોવા ઉપરાંત હક્કાની નેટવર્કને અમેરિકન સૈનિકોની હત્યાઓ માટે પણ જવાબદાર માનવામાં આવે છે.