અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ હર્બર્ટ વોકર બુશનું 94 વર્ષની વયે નિધન

નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ હર્બર્ટ વોકર બુશનું 94 વર્ષની વયે નિધન થયું છે. બુશ 12 જૂન 1924 ના રોજ જન્મ્યા હતા. 1989 થી 1993 સુધી સંયુક્ત રાજ્ય અમેરિકાના તેઓ 41મા રાષ્ટ્રપતિ રહ્યા.

રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરતા પહેલા બુશે 1981 થી 1989 સુધી અમેરિકાના 43માં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કર્યું. તેમની પત્નીનું મૃત્યુ આ વર્ષે 17 એપ્રિલના રોજ થયું હતું. તેમનું 73 વર્ષનું લગ્ન જીવન યૂએસના ઈતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિના મુકાબલે લાંબુ હતું.

એપ્રિલમાં તેમની પત્નીનું મૃત્યું થયું તેના એક સપ્તાહ બાદ તેમને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુશે શિત યુદ્ધના અંત સુધી અમેરિકાને ચલાવવામાં મદદ કરી હતી.

તેમના પુત્ર અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે ટ્વિટર પર પરિવારના પ્રવક્તા દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું કે જેબ, નીલ, માર્વિન, ડોરો, અને હું એ જાહેર કરતા દુખી છીએ કે 94 અદભૂત વર્ષો બાદ અમારા પ્રિય પિતાજીનું નિધન થયું છે.