નહીં બદલવામાં આવે ‘ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર’ યોજનાનું નામ

બિજીંગ- ચીનના રાજદૂત લુઓ ઝાહાઈએ ગત સપ્તાહે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) યોજનાનું નામ બદલવા અને પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરમાંથી પસાર થતા CPECના નિર્માણની જાહેરાત કરીને ઘણી વાહવાહી મેળવી હતી. જોકે એક વાત સ્પષ્ટ નથી થઈ શકી કે આ પ્રકારના બેવડા વલણ પાછળ ચીનની માનસિકતા શું હોઈ શકે?

જ્યારે એક ટીવી ચેનલે પ્રશ્ન કર્યો કે, શું રાજદૂતોના પ્રસ્તાવને સરકારનું સત્તાવાર સમર્થન હોય છે? તેના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઉપરોક્ત વિચાર લુઓ ઝાહાઈના વ્યક્તિગત વિચાર હોઈ શકે છે.

બિજીંગ સ્થિત ચીનના વિદેશ મંત્રાલયે એ વાતથી પણ ઈનકાર કર્યો કે, તેઓ ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર યોજનાના નામમાં કોઈ ફોરફાર કરશે. આપને જણાવી દઈએ કે, ભારત આ પ્રોજેક્ટનો શરુઆતથી જ વિરોધ કરતું આવ્યું છે કારણકે ચીનનો આ પ્રોજેક્ટ PoKમાંથી પસાર થાય છે.

ચીનના રાજદૂત લુઓએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, CPECનું નામ બદલવામાં આવી શકે છે. આ સિવાય ભારતની ચિંતાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ-કશ્મીર, નાથૂ લા પાસ અથવા નેપાળમાંથી પસાર થતો એક વૈકલ્પિક કોરિડોર બનાવવામાં આવી શકે છે. જોકે બિજીંગ દ્વારા આનાથી એકદમ વિપરીત નિવેદન આપવામાં આવ્યું છે અને CPECનો બચાવ કરે છે. બિજીંગના નિવેદન મુજબ CPECને કારણે ભારતે વ્યક્ત કરેલી ચિંતાનો તેના પર કોઈ જ ફેર નથી પડતો.

આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરતા બિજીંગ તરફથી નિવેદન આપવામાં આવ્યું કે, કનેક્ટીવિટી મજબૂત કરવા અને ક્ષેત્રિય આર્થિક સહયોગ વધારવા માટે ચીન દરેક પાડોશી દેશ સાથે કામ કરવા તૈયાર છે. CPECએ ચીન અને પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલું સહકારી માળખું છે. જે બધા ક્ષેત્રોમાં સહયોગને ધ્યાનમાં રાખીને અને બન્ને દેશોના લાંબાગાળાના વિકાસને ધ્યનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો પ્રોજેક્ટ છે.