આરએબીની કાર્યવાહીમાં 2 શંકાસ્પદ આતંકીઓએ પોતાને બોમ્બથી ઉડાવી દીધાં

ઢાકા- બાંગ્લાદેશમાં સોમવારે આતંકી ઠેકાણાઓ પર તપાસ દરમિયાન બે શંકાસ્પદ આંતકવાદીઓએ પોતાને સ્યુસાઈડ બોમ્બથી ઉડાવી દીધા હતાં. આ ઘટના એવા સમયે ઘટી હતી જ્યારે દેશની આતંક વિરોધી ટીમ અહીંના મોહમ્મદપુર વિસ્તારમાં તપાસ માટે ગઈ હતી.

ગુપ્ત સૂચનાને આધારે રેપિડ એક્શન બટાલિયન (આરએબી)એ ઢાંકાના બહારના વિસ્તાર સ્થિત મોહમ્મદપુરના બસીલા ક્ષેત્રમાં એક છતવાળા ઘરને ચોતરફથી ઘેરી લીધું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, છાપામારી કરનાર ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યાર બાદ જોરદાર વિસ્ફોટ થયો.

આરએબીના પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું કે, અમે રાતના સમયે જ ઘરને ઘેરી લીધું હતું. શંકાસ્પદ આતંકીઓએ સોમવારે સવારે બ્લાસ્ટ કર્યો જેમાં બે આ આતંકીઓના મોત થયાં. છાપેમારી પહેલા ત્યાંના આસપાસના વિસ્તાને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. નજરેજોનારાઓનું કહેવું છે કે, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. વિસ્ફોટ બાદ આગ લાગી હતી.

અહમદે પત્રકારોને જણાવ્યું કે, બ્લાસ્ટને કારણે શબના ચીથળા ઉડી ગયાં હતાં, જેથી તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ માટે આતંકીઓના શરીરની જરૂર પડશે. આરએબીએ ઘરના માલિક અને તેમના ઘરની દેખરેખ કરનાર અને તેમની પત્ની તથા નજીકની મસ્જિદના ઈમામને પૂછપરછ માટે બોલાવ્યાં છે.

મકાનના માલિકે આરએબીને કથિત જાણકારી આપી કે, બે વ્યક્તિઓએ પોતે ડ્રાઈવર હોવાનું કહીને થોડાં મહિનાઓ માટે મકાન ભાડાં પર રાખ્યું હતું. જો કે, હાલમાં આરએબીએ એ સ્પષ્ટ નથી કર્યું કે, ઘટનામાં મરણ પામેલાં આતંકીઓ કયાં સંગઠન સાથે જોડાયેલા હતાં.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં આતંકીઓ દ્વારા ઢાકા કેફેને તબાહ કરવા અને આ હુમલામાં 22 લોકોને મારી નાખ્યા બાદ બાંગ્લાદેશે ઈસ્લામી આતંકીઓ વિરુદ્ધ ઝૂંબેશ શરું કરી છે. મરનારમાં 18 લોકો વિદેશી નાગરિકો હતાં જેના પર આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.