ઢાકાથી દુબઈ જતા વિમાનનું અપહરણ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

0
883

ઢાકા – બાંગ્લાદેશના આ પાટનગર શહેરથી દુબઈ જતા વિમાનનું અપહરણ કરવાનો એક પ્રયાસ આજે સાંજે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

આ ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે 5.40 વાગ્યે બની હતી.

બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સના 737-800 વિમાનનું ચિત્તાગોંગ શહેરના શાહ અમાનત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એક ક્રૂ સભ્ય ગોળીબારમાં જખ્મી થયાનો અહેવાલ હતો.

અહેવાલ અનુસાર, એક બંદૂકધારીએ કોકપિટમાં ઘૂસી તેનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો. એને કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

અન્ય અહેવાલ મુજબ, બંદૂકધારીએ ચલાવેલી ગોળીથી એક ક્રૂ સભ્ય ઘાયલ થયો હતો.

ચિત્તાગોંગ એરપોર્ટના રનવે પર વિમાન ઉતર્યા બાદ તમામ પ્રવાસીઓને એમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

શંકાસ્પદ અપહરણકાર વિમાનની અંદર જ હતો. એની સાથે બે ક્રૂ મેમ્બર્સ હતા. પોલીસ તથા રેપિડ એક્શન બટાલીયનના જવાનો પણ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને વિમાનને ઘેરી લીધું હતું.

વિમાન ઢાકાના શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ જવા માટે સાંજે 5.13 વાગ્યે રવાના થયું હતું.