દુનિયાને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચેતવણીઃ “મુસ્લિમ પ્રભાકરન” પેદા ન થવા દો…

કોલંબોઃ ઈસ્ટર સંડે એટેકનું દર્દ સહન કરી રહેલા શ્રીલંકાએ મુસ્લિમ પ્રભાકરન મામલે દુનિયાને ચેતવણી આપી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ દુનિયાના તમામ દેશોને એકજુટતા દર્શાવવા માટે આગ્રહ કર્યો છે. સિરિસેનાએ માન્યું છે કે દેશ હવે વિભાજિત થઈ ચૂક્યો છે.

લિબ્રેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમના પૂર્વ ગઢ મુલ્લાતિવુમાં તેમણે કહ્યું કે દેશમાં ધાર્મિક નેતા અને રાજનેતા હવે વહેંચાયેલા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રપતિએ લોકોને અપિલ કરતા કહ્યું કે તેઓ મુસ્લિમ પ્રભાકરનના પેદા થવા માટે કોઈ જગ્યા ન છોડે. વેલાપુલ્લઈ પ્રભાકરન LTTE નો સંસ્થાપક હતો.

આ આતંકવાદી સંસ્થાનો ઉદ્દેશ્ય પૂર્વી અને ઉત્તરી શ્રીલંકામાં તમિલો માટે નવા દેશની સ્થાપના કરવાનો હતો. શ્રીલંકાએ લાંબા સમય સુધી ગૃહ યુદ્ધના જખ્મો સહન કર્યા છે. આ ગૃહ યુદ્ધમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વર્ષ 2009માં શ્રીલંકાઈ સેનાએ પ્રભાકરનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

રાષ્ટ્રપતિ સિરિસેનાએ કહ્યું કે જો અમે વિભાજિત થઈને અલગ થઈ જઈએ છીએ તો આખો દેશ હારી જશે અને એક અન્ય યુદ્ધ છેડાઈ જશે. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે મોટાભાગના રાજનેતાઓનું ફોકસ આ વર્ષના અંતમાં થનારી ચૂંટણી પર કેન્દ્રીત છે, દેશ પર નહી. તેમણે કહ્યું કે વિભાજન દેશને આગળ વધતા અટકાવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિએ કહ્યું કે તમિલો જે તકલીફ ભોગવી રહ્યા છે તેને હું સમજુ છું અને તેના સમાધાન માટે પણ પ્રયત્નો કરવામાં આવશે. જો કે તેમણે એ પણ કહ્યું કે ભૂતકાળને બાજુ પર મુકીને તમામ લોકોએ એકજુટ બની દેશને આગળ વધારવો જોઈએ. સિરિસેનાએ કહ્યું કે ચરમપંથિઓ માટે કોઈ જગ્યા ન રહેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલના રોજ શ્રીલંકા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટથી ધ્રુજી ઉઠ્યું હતું. દેશના ઘણા ગિરિજાઘરો અને ત્રણ લક્ઝુરીયલ હોટલોમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા બોંબ વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હતો. આ બોંબ વિસ્ફોટમાં 11 ભારતીયો સહિત 250 થી વધારે લોકો માર્યા ગયા હતા. આ દિવસે ઈસ્ટર સંડે હતો અને ખુબ મોટી માત્રામાં લોકો ગિરિજાઘરોમાં પ્રાર્થના માટે પહોંચ્યા હતા.