ઈરાન પરમાણુ કરારથી અલગ થયું અમેરિકા, ફ્રાન્સ-જર્મની અને બ્રિટને વ્યક્ત કરી નિરાશા

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા ઈરાન પરમાણુ કરારથી અલગ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, આ પરમાણુ કરાર ઈરાન અને વિશ્વના પાંચ મોટા દેશ વચ્ચે વર્ષ 2015માં કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાન ઉપરાંત અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, ઈરાન સાથે પરમાણુ કરાર અમેરિકાના તત્કાલિન પ્રેસિડેન્ટ બરાક ઓબામાના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. હવે ઈરાન સાથેના પરમાણુ કરારથી અલગ થવાની જાહેરાત કરાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન પર આર્થિક પ્રતિબંધ પણ લગાવવામાં આવશે.

ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે, જો પરમાણું હથિયારને લઈને કોઈ દેશ ઈરાનની મદદ કરશે તો તેના વિરુદ્ધ પણ કડક પ્રતિબંધ લગાવવામાં આવશે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, આમ કરવાથી દુનિયાને એ સંદેશ મળશે તે, અમેરિકા ફક્ત ધમકી નથી આપતું પરંતુ તેને સાર્થક પણ કરી બતાવે છે.

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને મોટી ભૂલ ગણાવી છે. બરાક ઓબામાએ કહ્યું કે, ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાની વૈશ્વિક વિશ્વનિયતા ખતમ થઈ જશે.