આતંકવાદ પર પાકિસ્તાનની કાર્યવાહીથી ટ્રમ્પને સંતોષ નહીં, કહ્યું જવાબદારી સમજો

0
1647

વોશિંગ્ટન- આતંકીઓ માટે ‘સેફ હેવન’ બની ચૂકેલા પાકિસ્તાન પર અમેરિકા સતત દબાણ વધારી રહ્યું છે. આતંકીઓ પર લગામ લગાવવા અમેરિકા સતત પાકિસ્તાનને ફટકાર લગાવી રહ્યું છે. પરંતુ લાગી રહ્યું છે કે, પાકિસ્તાન પર અમેરિકાની કડકાઈની કોઈ જ અસર નથી થઈ રહી. જેનો અહેસાસ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ છે.વ્હાઈટ હાઉસ તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનની કાર્યવાહીથી સંતોષ નથી. વધુમાં વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, ટ્રમ્પે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, આતંકવાદ સામેની પાકિસ્તાનની કાર્યવાહીથી જ પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોનું ભવિષ્ય નક્કી થશે.

વ્હાઈટ હાઉસના ડેપ્યુટી સેક્રેટરીએ જણાવ્યું કે, એવું પ્રથમવાર થઈ રહ્યું છે જ્યારે અમેરિકા પાકિસ્તાનનું આંકલન તેની કાર્યવાહીના આધારે કરી રહ્યું છે. અમેરિકા પાકિસ્તાનને આતંકવાદ સામે યોગ્ય પગલાં લેવા સતત જણાવતું રહ્યું છે, પરંતુ પાકિસ્તાન દ્વારા અત્યારસુધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી ટ્રમ્પ ખુશ નથી.

અફઘાનિસ્તાનનું નામ લીધા વગર વ્હાઈટ હાઉસના ડેપ્યુટી સેક્રેટરીએ જણાવ્યું કે, પાકિસ્તાન પાસે પોતાની આસપાસના ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાની આ સારી તક છે. જો પાકિસ્તાન તેમાં સહયોગ કરશે તો તે પાકિસ્તાન માટે જ સારી વાત છે.

ઉલ્લેખનીય છે કે, ગત કેટલાક દિવસોથી અમેરિકાનું પાકિસ્તાન તરફનું વલણ ઘણું કડક થયું છે. પહેલા ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી આશરે 255 મિલિયન ડોલરની સૈન્ય સહાય પર રોક લગાવી છે. ત્યારબાદ પણ આતંકવાદને લઈને અમેરિકાનું કડક વલણ યથાવત છે. અમેરિકાના દબાણને કારણે પાકિસ્તાનને મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદ પર કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જોકે થોડા દિવસોમાં જ હાફિઝ સઈદને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો.