સિંગાપોર – અણુશસ્ત્રોનો નાશ કરી વિશ્વમાં શાંતિ લાવવાનો ઉદ્દેશ્ય હોવાને કારણે સમગ્ર દુનિયામાં ખૂબ જ આતુરતા જગાડનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ ઉન-જોંગ વચ્ચેની શિખર બેઠક આજે અહીં યોજાઈ ગઈ. વિશ્વ શાંતિના ઉદ્દેશ્યવાળી મંત્રણા શરૂ કરતા પૂર્વે બંને નેતાએ એકબીજાને મળીને હાથ મિલાવ્યા હતા. આ બેઠક સ્થાનિક સમય મુજબ સવારે 9.10 (ભારતીય સમય મુજબ સવારે 6.35) વાગ્યે શરૂ થઈ હતી.
આ મંત્રણા સિંગાપોરના સેન્ટોસા આયલેન્ડ પર કપેલા હોટેલ ખાતે યોજાઈ છે.
બંને દેશના નેતાની આ વ્યક્તિગત બેઠક એક કલાકની હતી. એ વખતે એમની સાથે એમના પોતાના ભાષાંતરકારો હાજર રહ્યા હતા. વ્યક્તિગત બેઠક પૂરી થયા બાદ પ્રતિનિધિમંડળ સ્તરે પણ મંત્રણા યોજાઈ હતી. શિખર બેઠક પૂરી થયા બાદ બંને નેતાએ હોટેલની લોબીમાં લટાર મારી હતી અને નીચે ઊભેલા મિડિયાકર્મીઓ તરફ હાથ હલાવી અભિવાદન કર્યું હતું. બંને નેતા સાથે લંચ લેવાના છે.
શિખર બેઠક પૂરી થયા બાદ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, કિમ જોંગ ઉન સાથેની મારી મંત્રણા ખૂબ જ સરસ રહી. અમારા દેશ વચ્ચે ઉત્તમ સંબંધ છે.
બેઠકના આરંભ પૂર્વે બંને નેતાએ પત્રકારોને કહ્યું હતું કે આગળ જતાં બંને દેશ વચ્ચેના સંબંધ ગાઢ બનવાની અમને આશા છે. એની સામે ઘણા અવરોધો છે, પરંતુ અમે એ તમામને પાર કરવામાં સફળ થઈશું.
ટ્રમ્પે પત્રકારોને કહ્યું, અમારી મંત્રણા સરસ રહેશે અને જ્વલંત સફળતા હાંસલ કરનાર બની રહેશે.
President Trump and Kim Jong Un emerge for a walk after first one-on-one meeting. https://t.co/pm08i3LnPw #TrumpKimSummit pic.twitter.com/vl1rjAN4uC
— Dan Linden (@DanLinden) June 12, 2018