ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડેન્ટ પદેથી દૂર કરવાનો મહાભિયોગ પ્રસ્તાવ નિરસ્ત

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ડ્રમ્પની વિરુદ્ધ અમેરિકી પ્રતિનિધિ સભામાં રજૂ કરવામાં આવેલો મહાભિયોગનો પ્રસ્તાવ નિરસ્ત પુરવાર થયો છે. આ પ્રસ્તાવને નિરસ્ત કરવા માટે પ્રતિનિધિ સભામાં મોટી સંખ્યામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પના સમર્થનમાં મતદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ ડેમોક્રેટિક સદસ્ય એલ. ગ્રીન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

ડેમોક્રેટિક સદસ્ય એલ. ગ્રીને પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઉપર આરોપ લગાવ્યો કે, ટ્રમ્પ ભેદભાદને મુદ્દે આગળ વધી રહ્યાં છે. આ ઉપરાંત ગ્રીને વર્જિનિયા અને એન્ટી મુસ્લિમ ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગ્રીન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના સમર્થનમાં 58 અને વિરોધમાં 364 મત પડ્યા હતા.

એલ. ગ્રીને કહ્યું કે, ‘હું જ્યારે આ પ્રસ્તાવ રજૂ કરવા સભામાં આવ્યો ત્યારે રોડ માર્ગે આવ્યો હતો, કારણકે મને ખબર હતી કે, મારો સહયોગ કરવા કોઈ સાથે નહીં આવે. પરંતુ હું બીજીવાર આ પ્રસ્તાવને રજૂ કરીશ અને મારો પ્રયાસ સતત ચાલુ રાખીશ’.

ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના 45મા પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં. અને જૂલાઈ મહિનામાં તેમની સામે ટેક્સાસના સાંસદ એલ. ગ્રીન દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ તેમના અનેક નિર્ણયો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં જ ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાયલની રાજધાની બનાવવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ટ્રમ્પને વિશ્વના અનેક દેશોની આલોચના સહન કરવાનો વારો આવ્યો છે.