સિંગાપોરમાં યોજાઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે બેઠક

સિંગાપોર- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉન વચ્ચે આગામી જૂન મહિનામાં યોજાનારી દ્વિપક્ષીય બેઠક સિંગાપેરમાં યોજાઈ શકે છે. આ અંગેનો દાવો દક્ષિણ કોરિયાઈ મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, બન્ને નેતાઓ વચ્ચે યોજાનારી શિખર મંત્રણા માટે તારીખ અને સ્થળ નક્કી કરી લેવામાં આવ્યું છે.મહત્વનું છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ અને નોર્થ કોરિયાના તાનાશાહ વચ્ચે આ પ્રથમ મુલાકાત યોજાશે. બન્ને નેતાઓની મુલાકાત અંગે ટ્રમ્પના સંવાદદાતાએ જણાવ્યું કે, ‘આ અંગેના વધુ સત્તાવાર જાહેરાત જલદી જ કરવામાં આવશે’. જોકે આ સિવાય વધુ માહિતી આપવાનો તેમણે ઈનકાર કર્યો હતો. દક્ષિણ કોરિયાના સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે કે, બન્ને નેતાઓ વચ્ચેની ઐતિહાસિક મુલાકાત જૂન મહિનાના મધ્યભાગમાં યોજાશે.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરીને સમાધાનના સંકેત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત કેટલાંક દિવસોથી કિમ જોંગ ઉનના આક્રમક વલણમાં ઘણો બદલાવ થયો છે અને તેનું વલણ સકારાત્મક થયું છે. તેના આ પ્રકારના સકારાત્મક વલણ બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ સાથે મુલાકાત માટે ઉત્સાહ દર્શાવ્યો છે.