અંડરવર્લ્ડમાં અણબનાવ: અલગ થયાં ડોન દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલ

ઈસ્લામાબાદ- ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકીલ વચ્ચે અણબનાવ થયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. મળતી માહિતી મુજબ બન્ને કુખ્યાત અપરાધીઓએ પોતાના રસ્તા અલગ કરી લીધા છે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 1980 જ્યારે શકીલ મુંબઈ છોડીને ગયો હતો ત્યારથી તે પાકિસ્તાનમાં દાઉદની સાથે જ રહેતો હતો. પરંતુ હવે શકીલે તેનું સરનામું બદલી નાખ્યું હોવાના સમાચાર મળી રહ્યાં છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ ડોન દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલ વચ્ચે અણબનાવ થયો હતો. આ અણબનાવ દાઉદ ઈબ્રાહીમના ભાઈ અનીસ ઈબ્રાહીમના તેના વ્યવસાયમાં દરમિયાનગીરી કરવાને લઈને થયો હતો. ઉલ્લેખનીય છે કે, દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલ ત્રણ દાયકા કરતાં પણ વધારે સમય સાથે કામ કર્યાં બાદ હવે અલગ થયાં હોવાના સમાચાર મળી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દાઉદનો ભાઈ અનીસ પણ પાકિસ્તાનમાં જ છે. અને છેલ્લાં કેટલાક સમયથી તે દાઉદના કામમાં અડચણ કરી રહ્યો હોવાની વાત સામે આવી છે. જેના કારણે છોટા શકીલ નારાજ હતો અને દાઉદ સાથે તેનો ઝઘડો થયો હતો.

દાઉદ અને છોટા શકીલ વચ્ચે અણબનાવ થયો હોવાની માહિતી સામે આવ્યાં બાદ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. અને દાઉદ ભારતમાં આતંકી હુમલા કરાવી શકે તેમ પકિસ્તાની સુરક્ષા એજન્સીઓનું માનવું છે. કારણકે, ગયા મહિને જ દાઉદ ઈબ્રાહીમની જપ્ત કરવામાં આવેલી સંપતિઓની ભારતમાં હરાજી કરવામાં આવી હતી.