ફ્રાંસથી ક્યારે મળશે રાફેલ વિમાન? દસોલ્ટના CEOએ આપ્યો જવાબ

પેરિસ- ફ્રાંસમાં રાફેલ ફાઈટર જેટ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશન ભારતને આગામી વર્ષ 2019થી વિમાનની સપ્લાઈ શરુ કરશે. આગામી મહિનાઓમાં કેટલાંક નવા ઓર્ડર પણ થઈ શકે છે. કંપનીનના CEO એરિક ટ્રેપિયરે વિશ્વના સૌથી મોટા વ્યાપાર જેટ શો પહેલાં આ વાત જણાવી હતી.આપને જણાવી દઈએ કે, વર્ષ 2015માં ભારતે 36 રાફેલ જેટની ડીલ ફ્રાંસ સાથે કરી હતી, પરંતુ વિપક્ષ કેન્દ્ર સરકાર પર આ મુદ્દે કૌભાંડનો આરોપ લગાવતું રહ્યું છે.

રાફેલ ડીલને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસે મોદી સરકાર સામે પોતાની ઝુંબેશ વધુ તેજ કરી દીધી છે. કોંગ્રેસનો આરોપ છે કે, આ ડીલમાં પીએમ મોદી સીધી રીતે સંડોવાયેલા છે. અને તેમની પાસે આ અંગે છુપાવવા માટે ઘણી વિગતો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ રાફેલ ડીલને ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું અને તેની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરાવવાની પોતાની જૂની માગણીનું પુનરાવર્તન કર્યું હતું. પૂર્વ કાન્દ્રીય પ્રધાને રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણની ફ્રાંસ મુલાકાત અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.