‘પનામા પેપર્સ’ લીક કરનાર મહિલા પત્રકાર ડેફની ગેલીઝીયાનું કાર બોમ્બ હુમલામાં નિધન

0
1301

વેલેટા (માલ્ટા) – યુરોપના ટાપુરાષ્ટ્ર માલ્ટાના જાણીતાં ઈન્વેસ્ટિગેટિવ મહિલા પત્રકાર-બ્લોગ લેખિકા ડેફની કરુઆના ગેલીઝીયાનું બિડનીઆ શહેરમાં એમનાં નિવાસસ્થાન નજીક થયેલા એક કાર બોમ્બ વિસ્ફોટમાં નિધન થયું છે. ગેલીઝીયા ‘પનામા પેપર્સ’ દસ્તાવેજોને લીક કરીને એમનાં દેશની સરકારનાં ભ્રષ્ટાચારનો નીડરતાપૂર્વક પર્દાફાશ કરતા હતાં.

૫૩ વર્ષીય ડેફની એમનાં ઘેરથી રવાના થયા બાદ તરત જ તેઓ જેને ડ્રાઈવ કરતાં હતાં એ ભાડાંની કારમાં શક્તિશાળી બોમ્બ ધડાકો થયો હતો અને કારનાં ફૂરચાં ઊડી ગયાં હતાં.

ડેફનીની તપાસ ભ્રષ્ટાચાર પર કેન્દ્રિત રહેતી હતી. એ ‘વન-વુમન-વિકિલીક્સ’ તરીકે ઓળખાતાં હતાં. ડેફનીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બે અઠવાડિયા પહેલાં એમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી કે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.

મધ્ય અમેરિકાના પનામા દેશની કાયદા નિષ્ણાત અને કોર્પોરેટ સર્વિસ પ્રોવાઈડર કંપની મોઝેક-ફોન્સેકાએ વિવિધ દેશોનાં એટર્ની અને એમનાં ક્લાયન્ટ્સ વચ્ચેની નાણાકીય માહિતીને લગતા લાખો દસ્તાવેજો તૈયાર કર્યા છે. અમુક દસ્તાવેજો તો ૧૯૭૦ના દાયકા જેટલા જૂના છે. આ દસ્તાવેજો ૨૦૧૫ની સાલમાં કોઈક અજ્ઞાત સ્રોત દ્વારા લીક થતાં એ ‘પનામા પેપર્સ’ તરીકે જાણીતા થયા છે. અનેક કંપનીઓ, ધનવાન વ્યક્તિઓ, નેતાઓ કે સરકારી અમલદારોએ ખાનગી રાખેલી અંગત નાણાકીય માહિતી આ દસ્તાવેજોમાં હોય છે.

ડેફનીએ એમનાં બ્લોગમાં માલ્ટાની રાજકીય નેતાગીરીનાં પનામા પેપર્સ સાથેનાં જોડાણ વિશે માહિતી આપી હતી. એમનો છેલ્લો લેખ એમનાં મૃત્યુનાં એક કલાકથી પણ ઓછા સમય પહેલાં પ્રગટ થયો હતો જેમાં એમણે દેશના લશ્કરી વડાએ વડાપ્રધાન પર કરેલા કેસની વિગત આપી હતી. એમાં વડાપ્રધાન પર એવો આરોપ મૂકાયો હતો કે એમણે મધ્ય અમેરિકામાં એક ગુપ્ત કંપની બનાવી હતી.

ડેફની છેક ૧૯૮૦ના દાયકાથી માલ્ટાનાં અખબારો માટે કટાર લખતા હતાં. જોકે એમણે ૨૦૦૮ની સાલથી શરૂ કરેલા પોલિટીકલ બ્લોગની સૌથી વધારે પ્રશંસા થઈ છે.