ખશોગી હત્યાકાંડમાં સાઉદી યુવરાજની સંડોવણીના ‘ચોક્કસ પુરાવા’ : UN નિષ્ણાત

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના એક સ્વતંત્ર નિષ્ણાતના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાઉદી પત્રકાર જમાલ ખશોગીની ગત વર્ષે ઓક્ટોબરમાં થયેલી હત્યા સાથે સાઉદી અરબના યુવરાજ જોડાયા હોવાના ચોક્કસ પુરાવા છે. એગ્નેસ કલ્લામાર્ડે કહ્યું કે, તે આ વાત પર દ્રઢ છે કે, ચોક્કસ પુરાવા છે, જેનાથી યુવરાજ સહિત સાઉદી અરબના ઉચ્ચ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારીઓની આગળ તપાસ જરૂરી બની જાય છે.

જમાલ ખશોગી એક ચર્ચિત પત્રકાર હતાં. જમાલને ઈસ્તાંબુલમાં સાઉદી અરબના વાણિજ્ય દૂતાવાસમાં કથિત રીતે હત્યા કરી દેવામાં આવી હતી. જમાલ ખશોગીનો જન્મ 13 ઓક્ટોબર 1958ના રોજ સાઉદીના ધાર્મિક શહેર મદીનામાં થયો હતો.

જમાલ ખશોગીનું પ્રાથમિક શિક્ષણ સાઉદીમાં થયું હતું. તેમણે 1983માં અમેરિકાની ઈન્ડિઆના યૂનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાર બાદ તે પત્રકારત્વના ક્ષેત્રમાં આવ્યા હતાં. અફઘાનિસ્તાનમાં સોવયેત સંઘની સેનાઓ અને મુઝાહિદીનો વચ્ચે થયેલા સંઘર્ષના રિપોર્ટિંગને પગલે જમાલ ખશોગી પ્રથમ વખત ચર્ચામાં આવ્યાં હતાં. જમાલ ખશોગીને 2003માં સાઉદી અરબના સૌથી ચર્ચિત સમાચારપત્ર અલ વતનના સંપાદક તરીકે પસંદ કરાયા હતાં. પરંતુ પોતાના ક્રાંતિકારી વિચારોને કારણે તે પદ પર લાંબો સમય ટકી શક્યા ન હતાં.