યુએસ ગુપ્તચર વડાઃ ભારતમાં આ સમયે થઈ શકે છે સાંપ્રદાયિક હિંસા…

વોશિંગ્ટનઃ અમેરિકાની ગુપ્તચર સંસ્થાના વડાએ કહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં સાંપ્રદાયિક હિંસા થઈ શકે છે. તેમણે અમેરિકન સંસદમાં પોતાનો એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

અમેરિકી ગુપ્તચર સંસ્થાના વડા ડાન કોટ્સે અમેરિકી સંસદમાં કહ્યું કે ભારતમાં લોકસભા ચૂંટણી પહેલાં જો વડાપ્રધાન મોદીની પાર્ટી બીજેપી હિંદુ-રાષ્ટ્રવાદ પર વધારે જોર આપે છે તો ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકવાની મજબૂત સંભાવના છે.

કોટ્સે અમેરિકાના સીનેટ સિલેક્ટ કમિટી ઓન ઈન્ટેલીજન્સમાં વૈશ્વિક સંકટો પર આંકલન રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે મોદીના કાર્યકાળમાં બીજેપીની નીતિઓને લઈને ઘણા બીજેપીશાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થયો છે.

ગુપ્તચર સંસ્થાના વડાએ આગળ કહ્યું કે વધતા સાંપ્રદાયિક હુમલાઓને લઈને ભારતીય મુસ્લિમ પોતાને અલગ મહેસૂસ કરે છે અને આનાથી ભારતમાં ઈસ્લામિક આતંકી સમૂહોને પોતાની જડ મજબૂત કરવાની તક મળી શકે છે.

મોદી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ મે મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે. કોટ્સે પોતાના સ્ટેટમેન્ટમાં એ વાત પણ કહી કે મે સુધીમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ હજી વધી શકે છે.

કોટ્સે કહ્યું કે અમારુ આંકલન છે કે વિદેશી તાકાતો અમેરિકામાં 2020માં થનારી ચૂંટણીને પોતાના હિતોને આગળ વધારવાના અવસરના રુપમાં જોશે. અમારુ માનવું છે કે તેઓ પોતાની ક્ષમતાઓને વધારે ઉત્કૃષ્ઠ બનાવશે અને તેમાં નવા દાવ પેચ જોડશે.