કોલંબિયાએ પેલેસ્ટાઈનને સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપી

પેલેસ્ટાઈન- કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે ઈવાન ડ્યૂકે પદભાર સંભાળ્યાના થોડા દિવસો પહેલાં કોલંબિયાએ પેલેસ્ટાઈનને એક સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપી છે. કોલંબિયા વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક પત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પત્ર ત્રીજી ઓગસ્ટનો હોવાનું જણાવવામાં આવ્યું છે.વધુમાં પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ‘હું આપને એ જણાવવા ઈચ્છું છું કે, કોલંબિયાની સરકારના નામ પર પ્રેસિડેન્ટ જુઆન મેનુઅલે પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે’. આ પત્રમાં સૈન્ટોસના વિદેશપ્રધાન મારિયા એન્જેલા હોલ્ગિયમે હસ્તાક્ષર કર્યા છે.

કોલંબિયાના નવા વિદેશપ્રધાન કાર્લોસ હોલ્મેસને જણાવ્યું હતું કે, તેઓ જૂની સરકારના આ નિર્ણયના સૂચિતાર્થ પર આંતરરાષ્ટ્રીય કાયદા અને સારા રાજદ્વારી સંબંધોને ધ્યાનમાં રાખીને તેની સમીક્ષા કરશે.