અમેરિકામાં ચર્ચમાં બંદૂકધારીનો બેફામ ગોળીબારઃ ૨૬નાં મરણ

સેન એન્ટોનિયો (ટેક્સાસ) – અમેરિકાના ટેક્સાસ રાજ્યના સધરલેન્ડ્સ સ્પ્રિંગ્સ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં ગઈ કાલે રવિવારે એક બંદૂકધારીએ બેફામપણે ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ૨૬ જણ માર્યા ગયા છે.

માર્યા ગયેલાઓમાં પાંચ વર્ષના બાળકથી લઈને ૭૨ વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબટે પત્રકાર પરિષદમાં આ ઘટનાની જાણકારી આપી હતી.

બંદૂકધારીને ડેવીન પેટ્રિક કેલી તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. એ ૨૬ વર્ષનો હતો.

ગોળીબારની ઘટના સેન એન્ટોનિયોથી લગભગ ૬૫ કિ.મી. પૂર્વ બાજુએ આવેલા સધરલેન્ડ સ્પ્રિંગ્સ વિસ્તારના ફર્સ્ટ બેપ્ટિસ્ટ ચર્ચમાં રવિવારે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે બની હતી. હુમલો કરાયો એ વખતે લોકો ચર્ચમાં પ્રાર્થનામાં વ્યસ્ત હતાં. સધરલેન્ડ સ્પ્રિંગ્સમાં લગભગ ૯૦૦ જણ રહે છે.

ગોળીબારમાં બીજાં ૨૦ જેટલા લોકો ઘાયલ પણ થયા છે.

(જમણે) હુમલાખોર ડેવીન પેટ્રિક કેલી

મૃત્યુ પામેલાઓમાં ચર્ચના પેસ્ટર ફ્રાન્ક પોમેરોયની ૧૪ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. આ જાણકારી પોમેરોયના પત્ની અને મૃત છોકરીનાં માતા શેરી પોમેરોયે આપી હતી.

હુમલાખોરનો પીછો કરવામાં આવ્યો હતો. બાદમાં એ તેના વાહનની અંદર બંદૂકની ગોળીના જખમ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો.