વિદ્યાર્થીઓને વેસ્ટર્ન કલ્ચરથી બચવા સલાહ, ચીનમાં યુનિવર્સિટીએ ક્રિસમસ પર લગાવ્યો પ્રતિબંધ

બિજીંગ- ચીનની એક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વેસ્ટર્ન કલ્ચરથી દુર રહેવા સલાહ આપી છે. અને આ માટે યુનિવર્સિટીએ ક્રિસમસની ઉજવણી ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ ક્રિસમસની ઉજવણીમાં પોતાની સંસ્કૃતિનું મહત્વ ભૂલી જાય છે.

પૂર્વોત્તર ચીનના લિઆઓનિંગ પ્રાંતમાં આવેલી શેનયાન ફાર્માસ્યુટિકલ યુનિવર્સિટીએ તેના વિદ્યાર્થીઓને જારી કરેલી એક નોટિસમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં કોઈપણ પ્રકારના પાશ્ચાત્ય તહેવાર અને કાર્યક્રમનું આયોજન કરી શકશે નહીં.

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના યુવા એકમ કમ્યુનિસ્ટ યૂથ લીગે જણાવ્યું કે, દેશની યુવાપેઢીમાં પોતાની સંસ્કૃતિ માટે આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્યથી આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે. આ અંગે યૂથ લીગે કારણ દર્શાવતાં જણાવ્યું કે, કેટલાક યુવાનો પાશ્ચાત્ય ઉત્સવોનું આંધળું અનુકરણ કરે છે, પરિણામે દેશની સંસ્કૃતિ જોખમાય છે. વિશેષ કરીને નાતાલના સમયમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન વધારે કરવામાં આવે છે.

ચીનમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આ પહેલા પણ ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવતો રહ્યો છે. ચીનમાં માનવામાં આવે છે કે, જો આ જ રીતે ચીનમાં પશ્ચિમી સંસ્કૃતિનું પ્રભુત્વ વધતું જશે તો ચીનની પ્રાચીન સંસ્કૃતિ નાશ પામશે.