નહીં સુધરે ડ્રેગન: ચીનની નવી ચાલ, હવે તિબેટને બનાવ્યો વિવાદનો મુદ્દો

બિજીંગ- ડોકલામ વિવાદ બાદ ચીન હવે તિબેટ મુદ્દે ભારત સાથે વિવાદમાં ઉતર્યું છે. ચીનના પ્રેસિડેન્ટ શી જીનપિંગે તિબેટમાં રહેલા માલધારી સમાજના લોકો અને ભરવાડોને ભારત-ચીન સરહદે તેમની વસ્તી વસાવવા અને ચીનની સરહદની સુરક્ષા કરવા જણાવ્યું છે.

તિબેટના લુન્ઝે પ્રાંતમાં સ્થિત એક પરિવારની બે મહિલા સદસ્યોએ જીનપિંગને પત્ર લખીને પોતાના કસ્બાની તકલીફથી માહિતગાર કર્યા હતા. જેના જવાબમાં જીનપિંગે તેમને ભારત-ચીન સરહદે વસવાટ કરવા જણાવ્યું હતું. આપને જણાવી દઈએ કે, દક્ષિણ-પશ્ચિમ ચીનમાં આવેલા તિબેટમાં સ્થિત લુન્ઝે પ્રાંત ભારતના અરુણાચલ પ્રદેશથી ઘણો નજીક છે, અને અરુણાચલ પ્રદેશ પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તેને દક્ષિણ તિબેટ ગણાવી રહ્યું છે.

ચીની સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે શી જીનપિંગે માલધારી સમાજના લોકો અને ભરવાડોને સરહદી વિસ્તારમાં પોતાની વસ્તી વસાવવા અને તેનો વિસ્તાર કરવા જણાવ્યું છે. વધુમાં જીનપિંગે આ સમુદાયના લોકોની વફાદારીના પણ વખાણ કર્યા હતા.

ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી સરહદને લઇને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં બન્ને દેશો વચ્ચે વર્ષ 1962માં યુદ્ધ પણ થયું હતું. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના બીજીવાર મહાસચિવ નિયુક્ત થયા બાદ જીનપિંગે સેનાને પણ તૈયાર રહેવા જણાવ્યું છે. જીનપિંગે તેના સંબોધનમાં કહ્યું કે, ચીન તેના પાડોશી દેશો સાથે સરહદી વિવાદનું સમાધાન લાવવા પ્રયત્નશીલ છે. જોકે ચીન તેની એકતા અને અખંડતા સાથે કોઈ સમાધાન નહીં કરે.