પ્રેસિડેન્ટ જિનપિંગના વિચારોનો ચીન યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં કરાયો સમાવેશ

બિજીંગ- ચીનના વિશ્વવિદ્યાલયોમાં પ્રેસિડેન્ટ જિનપિંગના વિચારોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ટરેક્ટિવ ઓનલાઈન અભ્યાસક્રમ, ઉદાર ભંડોળ અને નવા સંશોધન સંસ્થાઓથી સજ્જ આ યુનિવર્સિટીઓ દેશ અને દુનિયામાં પ્રેસિડેન્ટ શી જિનપિંગના વિચારનો પ્રચાર કરવાની દિશામાં કામ કરી રહી છે.આપને જણાવી દઈએ કે, ઓક્ટોબર-2017થી ચીનની અનેક યુનિવર્સિટીઓએ તેમના અભ્યાસક્રમમાં ‘શી થોટ’ અથવા ‘શીના વિચારો’ નો સમાવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, માઓ યુગના અંત પછી પ્રથમ વખત કોઈ નેતાને શૈક્ષણિક રીતે આટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે.

ચીનની સંસદે આ વર્ષે બંધારણમાં ઐતિહાસિક સુધારાને મંજૂરી આપી હતી. જેનાથી જિનપિંગના બે વખતના કાર્યકાળની મર્યાદા સમાપ્ત કરી તેને આજીવન સત્તામાં રહેવાની મંજૂરી મળી ગઈ છે. જેના લીધે ચીનની વ્યવસ્થામાં જિનપિંગની પકડ વધુ મજબૂત બની ગઈ છે.

આ ક્રમમાં યુનિવર્સિટીઓ દ્વારા સૈદ્ધાંતિક વર્ગોને ફરજિયાત અપડેટ કરવામાં આવે છે. આમ કરવા પાછળનું કારણ પ્રશાશન તરફથી આપવામાં આવતો આદેશ માનવામાં આવે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જિનપિંગના વિચારોને પુસ્તકો, અભ્યાસક્રમો અને વિદ્યાર્થીઓના મનમાં સ્થાન મળવું જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને ચીનની સામાન્ય જનતા માટે વ્યાખ્યાન કોર્સનું પણ આયોજન કરવામાં આવે છે.

ચીનની પ્રતિષ્ઠિત સિંધુઆ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અને ચાઈનીઝ વિશેષતાના નિષ્ણાતે જણાવ્યું કે, એક સારા નેતાના ઉદભવની ચીનને લાંબા સમયથી આવશ્યકતા છે. ચાઈનીઝ વિશેષતાના નિષ્ણાતે જણાવ્યું કે, ચીનની અનોખી રાજકીય વ્યવસ્થા આખરે ચીનને અમેરિકા સમકક્ષ સુપર પાવર બનાવવા માર્ગદર્શન આપશે. હુ અનગેંગનો સમાવેશ એવા વિચારકોમાં થાય છે જેઓ એવા વિષયનો અભ્યાસ કરી રહ્યાં છે, જેને સત્તાવાર રીતે ‘શી જિનપિંગ થોટ ફોર શોશ્યલિઝમ વિથ ચાઈનીઝ કેરેક્ટરીઝમ ફોર એ ન્યૂ એરા’ તરીકે ઓળખવામાં આવે છે.