ચીની સેનાને યુદ્ધ અને પડકાર માટે તૈયાર રહેવા આદેશ

બેજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દક્ષિણી ચીન સાગર પર વધી રહેલા વિવાદ અને અમેરિકા સાથે તણાવ વચ્ચે પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે. શી જિનપિંગે ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન યુદ્ધ માટે તમામ સંભવ તૈયારીની વાત કરી છે.

ચીનની અધિકારિક સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાના ઉચ્ચ અધિકારીઓને ચીનના પડકારો અને સંભવિત સંકટોને જોતા સુરક્ષા અને વિકાસની જરુરતોને પૂરી કરવા માટે તમામ સંભવ પ્રયત્ન કરવા જણાવ્યું. શી જિનપિંગ કેન્દ્રીય આયોગના અધ્યક્ષ પણ છે.

દક્ષિણી ચીન સાગર પર વધી રહેલા સીમા વિવાદ અને અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધની ગહનતા વચ્ચે ચીન પોતાની સૈન્ય ક્ષમતા વધારે મજબૂત કરવા ઈચ્છે છે. સમાચાર એજન્સિ શિન્હુઆએ જણાવ્યું કે જિનપિંગે પોતાના શીર્ષ સૈન્ય ઓફિસરો સાથે બેઠકમાં જણાવ્યું કે ચીન પર સંકટ અને પડકારો વધી રહ્યા છે. ત્યારે આવામાં આપણા સુરક્ષા દળોને સુરક્ષા માટે વધારે કામ કરવાની જરુરિયાત છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રપતિ જિનપિંગે જણાવ્યું કે દુનિયા એવા ઘણા બદલાવોનો સામનો કરી રહી છે જે આ સદીમાં ક્યારેય નથી દેખાયા. ચીન હજી પણ વિકાસના રણનૈતિક અવસરની મહત્વપૂર્ણ અવધીમાં છે. ઈમરજન્સીની સ્થિતીમાં આપણા સુરક્ષા દળોને ત્વરિત રીતે જવાબ આપવામાં સક્ષમ બનાવવાની જરુરત છે. આના માટે સંયુક્ત સંચાલન ક્ષમતાઓને અપગ્રેડ કરવા અને નવા પ્રકારના લડાયક દળોને તૈયાર કરવાની આવશ્યકતા છે.

શી જિનપિંગનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એશિયા રિએસ્યોરન્સ ઈનીશિએટિવ એક્ટ પર હસ્તાક્ષર કર્યાના થોડા દિવસ બાદ આવ્યું છે જે આ દ્રિપની સુરક્ષા માટે અમેરિકી પ્રતિબદ્ધતાની પુષ્ટી કરે છે.

જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ચીન સાથે ચાલી રહેલી વ્યાપાર સંબંધિત વાતચિત યોગ્ય દિશામાં જઈ રહી છે. ટ્રમ્પે જણાવ્યું કે અમારી ચીન સાથે વ્યાપક સ્તર પર વ્યાપાર સંબંધિત વાતચીત ચાલે છે. રાષ્ટ્રપતિ જિનપિંગ આમાં ખુબ રસ લઈ રહ્યા છે અને હું પણ. અમે ઉચ્ચતમ સ્તર પર વાતચીત કરી રહ્યા છીએ, અમે ખૂબ સારુ કામ કરી રહ્યા છીએ.

ટ્રમ્પે જણાવ્યું કે આ વચ્ચે અમે ચીન અને અન્યથી ઘણા અબજ ડોલર વ્યાપાર શુલ્ક લીધો છે. અમારા સ્ટીલ ઉદ્યોગે શાનદાર વાપસી કરી છે અને હું આનાથી ખૂબ ખુશ છું.